બંગાળમાં ભારત બંધની સૌથી વધારે અસર
નવી દિલ્હી, દેશના સંખ્યાબંધ ટ્રેડ યુનિયનો દ્વારા જાહેર કરાયેલા ભારત બંધના એલાનને પગલે દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. બંધનું એલાન ભારત સરકારની આર્થિક અને જન વિરોધી નીતિઓ સામે આપવામાં આવ્યું છે. આજે બંધની સૌથી વધારે અસર બંગાળ, ઓરિસ્સા, ચેન્નઈ, મહારાષ્ટ્ર અને દિલ્હી, પંજાબમાં જોવા મળી છે. ગુજરાતમાં પણ ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ઘણા રાજ્યોમાં ટ્રેનો અને બસો બંધ રહેતાં લોકોને મુસાફરીમાં હાલાકી ભોગવવી પડી રહી છે. એરલાઇન્સોએ પણ મુસાફરોને ઘરેથી વહેલા નીકળવા માટે વિનંતીઓ કરી છે.
ટ્રેડ યુનિયનો સાથે ખેડૂતો અને બેન્કિંગ સેક્ટરના કર્મચારીઓ પણ જોડાતાં 25 હજાર કરોડના વ્યવહારો માત્ર ગુજરાતમાં ઠપ થઈ ગયા છે. બંધની સૌથી વધારે અસર બિનભાજપી રાજ્યોમાં જોવા મળી રહી છે. યુનિયનની માગ છે કે યુનિયમ મજૂરોનો ન્યૂનતમ પગાર 21 હજાર રૂપિયા પ્રતિ માસ હોવા જોઈએ. આ ઉપરાંત સોશિયલ હેલ્થ સર્વિસમાં સામેલ કરવા, મજૂરોને મિડ ડે મીલ મળવું, 6,000 રૂપિયાની ન્યૂનતમ પેન્શન અને પબ્લિક સેકટર બેંકના મર્જરનો વિરોધ સામેલ છે. દિલ્હી અને પંજાબમાં પણ રેલવ્યવહારને અસર પહોંચી છે. બંગાળમાં બંધ દરમિયાન બસોમાં તોડફોડ કરાઈ છે તો ઘણી ટ્રેનો બંધ કરી દેવાઈ છે. મહારાષ્ટ્રમાં પણ સરકારે બંધને સમર્થન આપ્યું છે. ચેન્નઈમાં બંધ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ છે. રાહુલ ગાંધીએ આ બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લેફ્ટ સહિત 10 ટ્રેડ યુનિયનના ભારત બંધને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને નબળી પાડવાનો પણ આરોપ લગાવ્યો છે. રાહુલ ટ્વીટ કરી કહ્યું કે મોદી-શાહ સરકારની જનવિરોધી, શ્રમિક વિરોધી નીતિઓને કારણે ભયાનક બરોજગારી ઊભી થઈ છે અને પીએસયૂ કંપનીને નબળી બનાવવામાં આવી રહી છે કે જેથી મોદીના ઉદ્યોગપતિ મિત્રોને વેંચવાના નિર્ણયને યોગ્ય ગણાવી શકાય. રાહુલે વધુમાં કહ્યું કે આજે 25 કરોડ કામદારોએ તેના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરી છે, હું તેને સલામ કરુ છું.