ગાંધીનગર(દક્ષિણ)ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખોવાયા છે?
૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર શહેરની ઉત્તરની બેઠક પરથી ભા.જ.પ.ના રીટાબહેન પટેલ અને દક્ષિણની બેઠક પરથી અલ્પેશ ઠાકોર વિજેતા નિવડ્યા હતા.
પરંતુ ચુંટણી પતી ગયા પછી ઉત્તર વિભાગમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો રીટાબહેન પટેલ ગાંધીનગરમાં અતિશય સક્રિય રહીને લોકસંપર્ક જાળવી રાખે છે.પરંતુ દક્ષિણમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાવ નિષ્ક્રિય હોય એવું જણાય છે. Gandhinagar South MLA Alpesh Thakor Missing?
ભા.જ.પ.ની જ્યાં સંપૂર્ણ બહુમતી છે એવી ગાંધીનગર મહાનગરપાલિકાનાં કોઈ ફંકશનમાં કે શહેર ભા.જ.પ.નાં કોઈ કાર્યક્રમ કે મિટિંગમાં અલ્પેશ ઠાકોર જોવા મળતા નથી.શહેરના સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ અલ્પેશ ઠાકોર ના દર્શન થતાં નથી.લોકોને કોકવાર તો એવી શંકા પણ જાય છે કે શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગણતરીપૂર્વક હાંસિયામાં મુકી દેવામાં આવ્યા છે.અલ્પેશ ઠાકોર પોતે પણ નિષ્ક્રિય અને સંપર્ક વિહોણા હોય એવું પણ જણાય છે.
અહીં એક બીજી નોંધપાત્ર વાત એ છે કે ૨૦૨૨ની ચૂંટણી પછી રચાયેલા નાનાં મંત્રીમંડળનાં વિસ્તરણની વાત જ્યારે પણ આવતી ત્યારે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું નામ બોલાતુ.
હવે તેને બદલે અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાના નામ બોલાય છે.આ રીતે મંત્રીપદ મળવાની આશા ધુંધળી થતાં અલ્પેશ ઠાકોર નિરાશા અનુભવતા હોય એવું બને.અલ્પેશ ઠાકોરે પોતાનું ધારાસભ્ય તરીકેનું કાર્યાલય ક્યાં ખોલ્યું છે તેની પણ ગાંધીનગરના મોટાભાગના સામાન્ય લોકોને જાણ નથી.
બે આઈ.એ.એસ. અધિકારીઓ વચ્ચે અહમનો ટકરાવ
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એક અફવા એવી ચાલે છે અને સરકારનાં એક સિનિયર આઇ.એ.એસ. અને એક જુનિયર આઈ.એ.એસ.ની વચ્ચે અહમનો ભારે ટકરાવ ચાલે છે.બન્ને વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ પ્રવર્તે છે.
સિનિયર આઈ.એ.એસ. સચિવાલયમાં વિભાગના વડા છે અને જુનિયર આઈ.એ.એસ. અધિકારી ખાતાનાં વડા તરીકે ફરજ બજાવે છે.આ બન્ને વચ્ચે લગભગ બોલવા વ્યવહાર નથી.સિનિયર બાબુ મિટિંગ બોલાવે તો જુનિયર બાબુ પોતાના હાથ નીચેનાં અધિકારીને મોક્લી આપે છે.
મોટા સાહેબ કંઈક સરકારી કામ સત્વરે કરવાનું કે સરકારી આંટીઘૂંટી વચ્ચેથી રસ્તો કાઢીને કરવાનું કહે નાના સાહેબને કહે તો જુનિયર સાહેબ એ અંગે લેખિતમાં હુકમ માંગે છે.
અરે, એવું પણ કહેવાય છે કે મોટા સાહેબે તેમના પી.એ.ને સ્પષ્ટ સૂચના આપી છે કે નાના સાહેબનો ફોન આવે તો મને આપવો નહીં.
ગાંધીનગર સચિવાલયે અગાઉ આવા અહમના ટકરાવના અનેક કિસ્સા જોયા છે.એમાં આ એક વધારે એમ જ ગણવાનું રહે! સિક્કાની બીજી બાજુ એ છે કે આવાં અધિકારીઓની અહમની લડાઈને કારણે કર્મચારીઓ તથા જાહેર જનતાને ઘણું સહન કરવાનું આવે છે.
સંસ્કાર ભારતીના જિલ્લા અધ્યક્ષો રાજ્યપાલના મહેમાન બન્યા
ગુજરાતનાં રાજ્યપાલ જ્યાં રહે છે એને રાજભવન કહેવામાં આવે છે.સરકારી પ્રોટોકોલને કારણે આ રાજભવનમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ આ બધી મર્યાદાઓ પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સમાપ્ત કરી દીધી અને ગુજરાત રાજભવનને સામાન્ય લોકો માટે ખુલ્લું મુકી દીધું હતું.કોહલીની એ પરંપરા હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બરકરાર રાખી છે.
આના અનુસંધાને આચાર્ય દેવવ્રતે ગઈકાલે રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપિત સંસ્કાર ભારતી, ગુજરાતના તમામ જિલ્લાનાં અધ્યક્ષોને રાજભવન ખાતે બપોરનાં ભોજન માટે નિમંત્ર્યા હતાં.સંસ્કાર ભારતીના કેટલાક અધ્યક્ષ એવાં હતાં કે જેઓએ જીવનમાં પહેલીવાર રાજભવન જોયું.સંસ્કાર ભારતીના ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ અભેસિંહ રાઠોડ છે.
ભારતીય કલા, લલિતકલા અને સંસ્કૃતિનાં પ્રચાર,પ્રસાર અને સંવર્ધન દ્વારા રાષ્ટ્રભક્તિ પ્રગટાવવાના શુભ હેતુથી સંસ્કાર ભારતીની સ્થાપના ૧૯૫૪મા કરવામાં આવી હતી અને તેની પહેલી શાખા લખનૌ ખાતે સ્થપાઇ હતી.આ સંસ્થાની સ્થાપના કરવા માટે ભાઉરાવ દેવરસ,હરિભાઉ વાકનકર, નાનાજી દેશમુખ, માધવરાવ દેવલે અને યોગેન્દ્ર એ સક્રિય રસ લીધો હતો.
જુનાગઢના ભા.જ.પ.ના પ્રમુખ કિરીટ પટેલની દાદાગીરી
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડા તા.૧૬/૦૯/૨૪ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલાં પત્રમાં જુનાગઢ જિલ્લાના ભા.જ.પ.ના પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ લેખિતમાં કર્યા છે.જવાહર ચાવડા ડંકે કી ચોટ પર લખ્યું છે કે (૧)ઃ-કિરીટ પટેલ છેલ્લા ૯ વર્ષથી જિલ્લા ભા.જ.પ.ના પ્રમુખ તો છે જ પરંતુ એ સાથે તેઓ(૨)જુનાગઢ જિલ્લા સહકારી બેન્કના અધ્યક્ષ અને(૩) જુનાગઢ જિલ્લા માર્કેટીંગ યાર્ડના ય ચેરમેન છે.
ભા.જ.પ.માં ‘એક વ્યક્તિ- એક હોદ્દો’નો નિયમ છે જે કિરીટ પટેલ પર લાગું કરાયો નથી.વળી,જુનાગઢ જિલ્લાના કાર્યકરોમાં થતી ચર્ચા જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણીમાં કિરીટ પટેલે જવાહર ચાવડાને હરાવવાના છુપી રીતે ભરપૂર પ્રયત્નો કર્યા હતા અને એ સફળ પણ થયા હતા.
આ ઉપરાંત જોવાની ખૂબી એ છે કે કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ હોવા છતાં વિસાવદરમાંથી ધારાસભાની ચૂંટણી હારી ગયા હતા.જુનાગઢ જિલ્લા પંચાયતમાં થયેલ કેટલાક વિવાદોમાં કિરીટ પટેલનું નામ ઉછળ્યું હતું. બધો વિવાદ હોવા છતાં કિરીટ પટેલને કશું નહીં થાય, કારણ કે પટેલ મોવડી મંડળનાં લાડકા છે.
ભા.જ.પ.નુ પ્રાથમિક સદસ્યતા અભિયાન અને યુવરાજસિંહ ગોહિલ
ભા.જ.પ. દ્વારા હાલ પ્રાથમિક સદસ્યતા અભિયાન -૨૦૨૪ ચાલી રહ્યું છે.આ અભિયાનમાં ઉત્સાહથી જોડાઇને કામ કરતા ભાવનગર મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીગ કમિટીના પૂર્વ ચેરમેન અને ઉત્તર સરદાર નગર – તરસમીયા વોર્ડના કોર્પોરેટર યુવરાજસિંહ ગોહિલ એક વિડીયોમાં એક યુવક અને કેટલીક મહિલાઓને મોબાઈલમાં ૧૦૦ સદસ્યો બનાવી તેમની પાસેથી રૂ.૫૦૦/- લઈ જવાની ઓફર કરતાં નજરે પડે છે.
ભા.જ.પ. આમ તો નિષ્ઠાવંત કાર્યકર્તાઓનો પક્ષ છે.ત્યાં આવી સદસ્યતા ખરીદવાની કલ્પના પણ ન થઈ શકે!તો પછી યુવરાજસિંહે આવું કેમ કર્યું હશે? તે અંગે ભાવનગરના એક પીઢ કાર્યકર્તાએ એવું કહ્યું કે પક્ષ તરફથી કોર્પોરેટરને કદાચ કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો હશે અને તેનાં દબાણનું કદાચ આ પરિણામ હોઈ શકે!
બાકી ભાવનગર ભા.જ.પ. પાસે તો એક જમાનામાં ચકુભાઈ ડોડીયા, નગીનદાસ શાહ, નિરંજન વ્યાસ, જે.ટી. દવે, ગિરીશ શાહ, મહેન્દ્ર ત્રિવેદી,અમોહ શાહ, ભારતેન્દુ દવે, મનોજ બ. ભટ્ટ, મહેન્દ્ર પંડયા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓની મોટી ફોજ ઉપલબ્ધ હતી.તે શહેરમાં સભ્યપદની ઝુંબેશ માટે આવો તમાસો થાય એ પણ સમયની બલિહારી જ ગણવી રહી!