ઈરાનની કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થયા બાદ વિસ્ફોટ, ૫૧ લોકોનાં મોત
નવી દિલ્હી, ઈરાનમાં રવિવારે કોલસાની ખાણમાં મિથેન ગેસના લીકેજને કારણે ભીષણ વિસ્ફોટ થયો હતો, જેમાં ૫૧ લોકોના મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના છેલ્લા કેટલાક વર્ષાેમાં થયેલી ભયંકર દુર્ઘટનાઓ પૈકીની આ એક છે.
આ વિસ્ફોટ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં થયો હતો. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે પૂર્વી ઈરાનમાં તાબાસ ખાણમાં વિસ્ફોટ થયો ત્યારે તેમાં ૭૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. ખાણના બે બ્લોકમાં વિસ્ફોટ થયો હતો. આ ખાણ ખાનગી ઈરાની કંપની મદનજૂની માલિકીની છે.
ઈરાન પ્રશાસને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા માટે તાબાસ પહોંચી રહેલી એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરના ફૂટેજનું રાજ્ય ટીવીએ પ્રસારણ કર્યું હતું.
આઈઆરએનએના ઓનલાઈન ફૂટેજમાં કેટલાક પીડિતોના મૃતદેહને ખાણકામના વાહનોમાં સ્થળની બહાર લઈ જવામાં આવતા દર્શાવવામાં આવ્યા હતા. દક્ષિણ ખોરાસાનના ગવર્નર જવાદ ઘેનાતે રાજ્ય ટીવીને જણાવ્યું હતું કે બચાવ ટીમો બાકીના મૃતદેહોને બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે રવાના થતા પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સરકારી ટીવી પર પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.
પેઝેશ્કિયાને કહ્યું હતું કે દુર્ભાગ્યવશ અમને જાણવા મળ્યું હતું કે તાબાસમાં કોલસાની એક ખાણમાં દુર્ઘટના ઘટી હતી અને અમારા ઘણા લોકોએ તેમાં જીવ ગુમાવ્યા હતા. હું તેમના પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.” સ્થાનિક મીડિયા અનુસાર, અધિકારીઓએ વિસ્ફોટ બાદ પ્રાંતમાં ત્રણ દિવસનો જાહેર શોક જાહેર કર્યાે છે.
ઈરાનના રેડ ક્રેસેન્ટે જણાવ્યું હતું કે ખાણમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે, જ્યાં કેટલાક કામદારો હજુ પણ ફસાયેલા છે. આઈઆરએનએ અનુસાર, આ કર્મચારીઓ જમીનની સપાટીથી લગભગ ૨૫૦ મીટર નીચે હતા.SS1MS