હિઝબુલ્લાહે ઈઝરાયેલમાં એક સાથે ૧૧૫ રોકેટ છોડ્યાંઃ અનેક ઇમારતો ધ્વસ્ત
લેબનાન, લેબનાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના દળોએ રવિવારે ઇઝરાયેલમાં એક પછી એક ૧૧૫ રોકેટથી હુમલા કર્યા હતા. જેમાં અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. આ પૈકી કેટલાક રોકેટ ઉત્તરમાં આવેલા હાઇફા શહેરની પાસેના વિસ્તારમાં પડ્યા હતા.
હિઝબુલ્લાહના ઉપનેતા નઈમ કાસમે રવિવારે કહ્યું કે તેમનું સંગઠન હવે ઉતર્યું છે અને તેમણે ઈઝરાયેલના ઉત્તરમાં લોકો માટે વધુ વિસ્થાપનની ધમકી આપી છે. આ પહેલા હિઝબુલ્લાહના કમાન્ડર ઈબ્રાહિમ અકીલના અંતિમ સંસ્કાર વખતે કાસેમે કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે અમે દુખી છીએ. અમે ઈન્સાન છીએ. પરંતુ જેવી રીતે અમને દુખ મળ્યું છે, એવી જ રીતે તમને પણ દુખ થશે.
તમારી (ઈઝરાયેલ)ની અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જશે અને તમે તમારો લક્ષ્ય સિદ્ધ કરી શકશો નહીં. આ સાથે કાસમે ઉમેર્યું કે, રવિવારે અમારા સંગઠન દ્વારા ઈઝરાયેલ પર ફેંકેલા ૧૦૦ રોકેટ તો ફક્ત વિનાશની શરુઆત છે.
ઈઝરાયેલના મીડિયાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હિઝબુલ્લાહે ઉત્તર જેજરેલ ખીણમાં આવેલા એક સૈન્ય એરપોર્ટને નિશાન બનાવ્યું છે, જેનાથી આખા ક્ષેત્ર અને કબજાવાળા ગોલાન હાઇટ્સ તથા અન્ય વિસ્તારોમાં સાયરન વાગ્યા હતા. ઈઝરાયેલના સૈનિકોએ રવિવારે સવારે ઈઝરાયેલના કબજાવાળા વેસ્ટબેન્કમાં સેટેલાઈટ ન્યુઝ ચેનલ અલઝઝીરાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને આ બ્યુરો ઓફિસને બંધ કરવા માટે આદેશ આપ્યો છે.
ઈઝરાયેલે કતાર દ્વારા આર્થિક ફંડ મેળવતી અલઝઝીરા ચેનલને ટાર્ગેટ બનાવી છે, કારણ કે આ ચેનલ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધનું કવરેજ કરે છે. ચેનલે પોતાની અરબી ભાષાની ચેનલ પર ઈઝરાયેલના સૈનિકોના લાઈવ ફૂટેજ પ્રસારિત કર્યા હતા.SS1MS