સાક્ષીઓને ધમકાવાય છે, તેમની સાથે બળજબરી કરાય છે: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કાનૂની વ્યવસ્થામાં સાક્ષીઓની દયાજનક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે શુક્રવારે ‘વિટનેસ પ્રોટેક્શન સ્કીમ, ૨૦૧૮’નો અસરકારક અમલ નહીં થવા બાબતે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, સાક્ષીઓ સાચો ચુકાદો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને એટલે તેમની સુરક્ષા મહત્વની છે.
જજ બેલા ત્રિવેદી અને જજ સતીશચંદ્ર શર્માની બેન્ચે અંગ્રેજ ફિલસૂફ જેરેમી બેંથમને ટાંકીને જણાવ્યું હતું કે, “સાક્ષીઓ ન્યાયના આંખ અને કાન છે.” જોકે, બંને જજે સાક્ષીઓની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારતની કાનૂની વ્યવસ્થામાં સાક્ષીઓની સ્થિતિ બહુ ખરાબ છે.
તેમને ધમકી આપવામાં આવે છે, તેમની સાથે બળજબરી કરાય છે અને નાણાકીય લાલચ આપીને જુબાની બદલવા મજબૂર કરવામાં આવે છે.” બેન્ચે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે વિટનેસ પ્રોટેક્શન સ્કીમ, ૨૦૧૮ તૈયાર કરી છે અને કોર્ટે તેને મંજૂરી પણ આપી છે.
જોકે, તેનો અસરકારક અમલ થઈ શક્યો નથી.” એક કેસમાં સીબીઆઇ તપાસનો આદેશ આપતી વખતે સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કરી હતી. કેસમાં અરજદારને અપીલ ફાઇલ કરતા અટકાવાયો હતો. તેણે દાવો કર્યાે હતો કે, તેણે કોર્ટમાં હાજર વકીલોમાંથી કોઇને પણ કેસ લડવાની જવાબદારી સોંપી નથી. ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને ફોજદારી કેસમાં સાક્ષીઓને જુબાની બદલવા માટે ધાકધમકી અને અન્ય પ્રલોભનો અપાતા હોય છે.SS1MS