સૈયામી ખેર આયર્નમેન ૭૦.૩ ટ્રાએથલોન જીતનારી પહેલી ભારતીય એક્ટ્રેસ બની
મુંબઈ, સૈયામી ખેરે જર્મનીમાં યોજાતી પ્રતિષ્ઠિત આયર્નમેન ટ્રાએથલોન પૂરી કરીને ઇતિહાસ સર્જ્યાે છે. આયર્નમેન ટ્રાએથલોન ૭૦.૩ હાફ આયર્નમેન તરીકે પણ ઓળખાય છે.
આ ટ્રાએથલોન પુરી કરનારી સૈયામી પહેલી ભારતીય એક્ટ્રેસ બની છે. રેસિંગની દુનિયામાં આ હરિફાઈમાં દુનિયાના સૌથી ફિટ લોકો જ ભાગ લઈ શકે છે. આ એક એવી રેસ છે જેમાં ખેલાડીએ ૧.૯ કિલોમીટર સ્વિમિંગ કરવાનું છે, પછી ૯૦ કિલોમીટર સાઇકલિંગ કરવાનું છે અને ૨૧.૧ કિલમોમીટર રનિંગ કરવાનું હોય છે. આ બધું જ તેમણે વચ્ચે કોઈ વિરામ લીધાં વીના એકસાથે જ પુરું કરવાનું હોય છે.
સૈયામી ખેરે આ પ્રકારની ખુબ અઘરી ગમાતી રેસ પુરી કરીને પોતાની માનસિક અને શારિરીક તાકાત તો સાબિત કરી જ છે, સાથે જ અનેક ભારતીય મહિલાઓને પ્રેરિત પણ કરી છે. સૈયામી ખેર ‘ચોક્ડ’, ‘ઘુમર’ અને ‘શર્માજી કી બેટીંયા’ જેવી ફિલ્મો માટે જાણીતી છે, જેણે આ રેસમાં ભાગ લેવા માટે એક વર્ષથી પણ વધુ સમય સુધી ખાસ તાલીમ લીધી હતી. છતાં તેણે તેની ફિલ્મોના કામમાં પણ કોઈ જ કચાશ રહેવા દીધી નહોતી. અભિષેક બચ્ચન સાથેની ‘ઘૂમર’માં સૈયામીએ ક્રિકેટરનો રોલ કર્યાે હતો.
ક્રિકેટરના રોલમાં ફિટનેસ માટે ખૂબ મહેનત કરનારી સૈયામીએ ટ્રાએથ્લોનમાં ભાગ લેતાં પહેલાં પણ તૈયારીઓ કરી હતી. આ પ્રકારની શારિરીક રીતે અતિ પડકારજનક રેસ પુરી કરનાર સૈયામી શરૂઆતથી જ હેલ્થ અને ફિટનેસ જાળવવાની હિમાયતી રહી છે.
આ સિદ્ધિએ તેની માન્યતાને સાચી ઠેરવી છે, સાથે જ તેણે સાબિત કર્યું છે કે પોતાની મર્યાદાઓ સામે લડીને જ તમે અશક્યને શક્ય બનાવી શકો છો. આ રેસ પુરી કરીને તે કેટલું ગૌરવ અનુભવતી હતી, તે અંગે સૈયામીએ કહ્યું,“આયર્નમેન ૭૦.૩ની ફિનિશ લાઇન વટાવીને એ મેડલ મેળવવું એ મારા જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ રહી છે.
હંમેશાથી આ રેસ પુરી કરવાની મારી ઇચ્છા રહી છે, હું અતિશય ખુશ છું કે અંતે મેં એ કરી બતાવ્યું છે.” તેની આ ખુશીમાં લક્ષ્ય બનાવીને દૃઢ નિશ્ચય સાથે દરેક પડકારને પાર કરીને લક્ષ્ય સિદ્ધ કરવું કેટલું મહત્વનું છે તે દેખાય છે. સૈયામીને પણ આ સફરમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે.
આ રેસની તૈયારી સાથે ફિલ્મોના કામ પુરા કરવા માટે તે દરરોજ ૧૨-૧૪ કલાક ફિલ્મના સેટ પર વિતાવ્યા પછી બાકીના સમયમાં રેસ માટેની મહેનત કરતી હતી. તેણે કહ્યું,“કેટલાંક એવા દિવસો પણ આવતા કે હું બહુ નિઃરાશ થઈ જતી અને મારી જાત સાથે યુદ્ધ કરવું પરંતુ, મને એ કલાકોના સમયમાં કોઈ મદદ કરી શકે તેમ નહોતું, મારે જ મારી મદદ કરવાની હતી.” આટલું પૂરતું ન હોય તેમ તે જર્મની ગઈ ત્યારે ફ્લાઇટ ચુકી ગઈ હતી અને સામાન પણ ખોવાઈ ગયો હતો.
આગળ તેણે કહ્યું,“હું આ રેસ ચૂકી જઉં તેના માટેના અનેક કારણો હતો પણ મેં અંતે તે પુરી કરી. હું ખુબ ખુશ છું કે મેં બધું જ સંભાળી લીધું. માત્ર રેસ પુરી કરી એ જ નહીં પણ અહીં સુધીની સફરે મને શીખવી દીધું કે તમે મનમાં ગાંઠ વાળી લો પછી તમને કોઈ રોકી શકતું નથી.”SS1MS