Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વોર્ડ ઈન્સ્પેકટરોને ટેબલેટ પીસી આપવામાં આવશે

આકારણીમાં થતી ભુલો સુધારવા રર૦ ટેબલેટ ખરીદવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગમાં આકારણી મામલે અનેક ફરિયાદો આવતી હોય છે. જેમાં વધુ ક્ષેત્રફળ, કબજેદારના નામ, વપરાશનો પ્રકાર સહિત અનેક ક્ષતિઓ રહી જાય છે જેને સુધારવા માટે કરદાતાઓ ધક્કા ખાતા રહે છે પરંતુ સુધારો થતો નથી.

જેના કાયમી નિવારણ માટે ટેક્ષ વિભાગના કર્મચારીઓને ખાસ ટેબલેટ આપવામાં આવશે જેમાં સ્થળ પર જ આકારણી કરી વપરાશકર્તાની સહી કરાવી તેને અપલોડ કરવામાં આવશે.

મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર આકારણી મામલે થતી ગેરરીતિ અટકાવવા અને નાગરિકોને થતી હાલાકી દુર કરવા માટે રર૦ નંગ ટેબલેટ ખરીદ કરવામાં આવશે.

આ ટેબલેટ ટેક્ષ ખાતાના તથા વેલ્યુએશન ખાતાના વોર્ડ ઈન્સ્પેકટરોને આપવામાં આવશે. હાલ વેલ્યુએશન ખાતાના પ૦ અને ટેક્ષ ખાતાના ૧૩૦ કર્મચારીઓ છે. આ કર્મચારીઓને ટેબલેટ આપવાથી ભુલો થતી અટકશે.

વોર્ડ ઈન્સ્પેકટર પોતાના વોર્ડની મિલકતોની તમામ વિગતો ટેબલેટ મારફતે જોઈ શકશે. તેમજ જે પરિબળમાં સુધારો કરવાનો હોય તેજ પરીબળ એડીટ કરી તેમાં સુધારો થઈ શકશે. ક્ષેત્રફળ અને પરીબળમાં ફેરફાર થાય તે એડીટ થશે અને તેનો ફોટોગ્રાફ અપલોડ કરી શકાશે અને હાજર વ્યક્તિની ડીજીટલ સહી પણ તેમાં લેવામાં આવશે. જેના કારણે સંપૂર્ણ પારદર્શિકતા રહેશે. ટેબલેટમાં સ્થળનો તથા સ્થળ પર હાજર વ્યક્તિનો ફોટોગ્રાફ તથા રજુ કરેલ પુરાવા પણ અપલોડ કરી શકાશે જેના કારણે પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા ટેક્ષ મામલે થતી ગેરરીતિઓ શોધવા અને ટેક્ષની આવક વધારવા સર્વેલન્સ સ્કવોર્ડ બનાવવામાં આવી છે. આ સ્કવોર્ડ દ્વારા ઉત્તર પશ્ચિમ અને દ.પશ્ચિમ ઝોનમાં રપ કરોડની નવી આવક શોધવામાં આવી છે. મ્યુનિ. ટેક્ષ વિભાગને વર્તમાન નાણાંકિય વર્ષ દરમિયાન મિલકત વેરા પેટે રૂ.૧૦૬૦ કરોડ, પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૧ર૭.ર૪ કરોડ, અને વ્હીકલ ટેક્ષની રૂ.૯૯.૩૧ કરોડ આવક થઈ છે જે ગત વર્ષની આજ સમયગાળા દરમિયાન થયેલ આવક કરતા પ૯.ર૯ ટકા વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.