વાસણા સુએજ પમ્પીંગ સ્ટેશનને રૂ.ર.રપ કરોડનું નુકશાન
મેટ્રોની ભૂલ મનપાને મોંઘી પડી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિ. કોર્પોરેશન ના નવા પશ્ચિમઝોન વિસ્તારના સુએજ નો નિકાલ કરવા માટે ઔડા દ્વારા વાસણા પાસે પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. મેટ્રો ટ્રેનના કામ દરમ્યાન પમ્પીંગ સ્ટેશનની ચેમ્બર પાસે માટી પુરાણ કરવામાં આવતા લાઈનો ચોક-અપ થઈ ગઈ છે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી નિકાલમાં તકલીફ ન થાય તેના માટે મનપા દ્વારા તાકીદે કામ શરૂ કરવામાં આવ્યું છે.
મ્યુનિ. કોર્પોેરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ નવા પશ્ચિમઝોનના સુઅરેજ વોટરનો નિકાલ કરવા માટે ઔડા દ્વારા વાસણા ટર્મીનલ પાસે ર૮પ એમએલડીનું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. સદ્દર પમ્પીંગ સ્ટેશનમાં દૈનિક ૧૪૦થી ૧પ૦ એમએલડી સુએજનું પમ્પીંગ કરવામાં આવે છે.
પમ્પીંગ સ્ટેશનમાં ર૦૧રના વર્ષમાં ઈન્કમીંગ લાઈન પર બ્રેકડાઉન થયું હતું. જેના કારણે પુષ્કળ પ્રમાણમાં રેતી અને માટી ધસી આવ્યા હતા. જેના પરીણામે પમ્પીંગના પંપોની ક્ષમતામાં ઘટાડો થયો છે. તથા વારંવાર મેઈન્ટેનન્સ આવે છે. ગત ચોમાસામાં પંપના ફાઉન્ડેશન તૂટી ગયા હતા. જયારે મેટ્રો દ્વારા પમ્પીંગ સ્ટેશનની ચેમ્બર પર જ માટી પુરાણ કરવામાં આવ્યું છે. તેથી લાઈનો ચોક-અપ થઈ ગઈ છે. જેના કારણે ચેમ્બરમાં પડેલી માટીને જેટીંગ દ્વારા આગળ ધકેલવામાં આવી રહી છે.
ચીકણી માટીનું પ્રમાણ વધારે હોવાથી પંપોને નુકશાનથઈ રહયું છે. તથા પાણીની વહનક્ષમતા પર અસર થઈ છે. ચોમાસામાં વરસાદી પાણીની પણ આવક થતી હોવાથી તકલીફ વધી શકે તેમ છે. તેથી વાસણા પમ્પીંગ સ્ટેશનના જુના ચાર પમ્પ તાકીદે બદલવામાં આવશે. જેના માટે અંદાજે રૂ.ર.૩૦ કરોડ નો ખર્ચ થઈ શકે છે. પમ્પીંગ સ્ટેશન ના પંપોની ક્ષમતા ઓછી થઈ હોવાના કારણે તેમજ ચોમાસાની સીઝન હોવાથી પમ્પ બદલવાની કામગીરી જુન મહીનામાં જ પૂર્ણ કરવામાં આવે તેવી શકયતા છે.
મ્યુનીસીપલ એસ.ટી.પી. વિભાગના સુત્રોનું માનીએ તો સદર પંપીંગ સ્ટેશનમાં હાડકાં તથા ચામડાં મોટી સંખ્યામાં પાણી સાથે આવે છે. આ ચામડાં પંપમાં વિટળાઈ જતાં હોવાના કારણે પંપની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે અને પાણીની વહન ક્ષમતા ઓછી થઈ છે. હાલ ૧૫૦ એમ.એલ.ટી. પાણી પંપીંગ થાય છે.