વેરાવળમાં પાલિકાએ મકાન પાડવાની નોટિસ આપતાં મહિલાનો આપઘાત
વેરાવળ, વેરાવળ નગરપાલિકાએ મકાન પાડી નાખવાની નોટિસ આપતા ચિંતામાં સરી પડેલી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
તેમણે તંત્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ આપઘાત નહીં પણ સિસ્ટમે કરેલું મર્ડર છે. વેરાવળ સરકારી હોસ્પિટલ નજીક મફતીયાપરા વિસ્તારમાં રહેતા માયાબેન રામપદ સરકાર (ઉ.૪૨)એ શનિવારે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગે તપાસ કરાતા એવું સામે આવ્યું હતું કે, વેરાવળમાં સિવિલ હોસ્પિટલ નજીક ટી.પી.સ્કીમ ૨ અંતીમખંડ ૧૦૭ વાળી સરકારી જમીનમાં કાચા મકાનોના અનઅધિકૃત દબાણ થયેલા છે. તેને દૂર કરવા ત્રણેક દિવસ પહેલાં પાલીકા તંત્ર દ્વારા અંદાજે ૭૦ લોકોને દબાણો દૂર કરવા નોટિસો પાઠવવામાં આવી હતી. જેમાં ૨૦મી સપ્ટેમ્બર સુધીમાં મકાન ખાલી કરવાની મુદ્દત આપવામાં આવી હતી.
જો આમ નહિ થાય તો તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ અપાઈ હતી.જેના પગલે ડીપ્રેશનમાં આવી ગયેલા મહિલાએ શનિવારે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
મૃતક મહિલાની બેન વનિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ત્રણેક દિવસ પહેલાં મકાન પાડી દેવા માટે મળેલી નોટિસથી માયાબેન ડીપ્રેશનમાં આવી ગયા હતા. ગતરાત્રિના અમો અમારા સંબંધીને ત્યાં ગયેલા તે સમયે તેઓ ઘરમાં એકલા હોવાથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.SS1MS