Western Times News

Gujarati News

પાલડી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલી મેડિકલ હોસ્ટેલ ખંડેર બની

2019 થી બંધ હોસ્ટેલ રીપેર કરવામાં તંત્રને રસ નથી : શહેઝાદખાન પઠાણ

( પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના નામે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ પ્રજાના પરસેવાની કમાણીમાંથી તૈયાર કરવામાં આવેલ સુવિધાઓની જાળવણી યોગ્ય રીતે થતી નથી જેના કારણે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જર્જરિત થઈ જાય છે. A medical hostel built at the cost of crores of rupees in Paldi area of Ahmedabad.

વટવા ગરીબ આવાસ યોજના આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હવે, આ ગરીબ આવાસ યોજના જેવી જ હાલત પાલડી સ્થિત મેડિકલ હોસ્ટેલ ની થઈ હોવાની વિગતો બહાર  આવી છે.  મ્યુ. વિરોધ પક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મ્યુનિ. કોર્પોરેશને 2007માં  એન.એચ.એલ.મેડીકલ કોલેજની બોયઝ હોસ્ટેલની પાલડી વિસ્તાર માં તૈયાર કરી હતી જેના માટે  કરોડો રૂા.નો ખર્ચ કરવામાં આવ્યો હતો.

પરંતુ આ  હોસ્ટેલ સને ૨૦૧૯ થી  બંધ કરી દેવામાં આવી છે. સદર હોસ્ટેલ બંધ હાલતમાં હોવાથી અત્યંત જર્જરીત થઇ ગઈ છે. એક તરફ હયાત હોસ્ટેલ નો વપરાશ કરવામાં આવતો નથી અને બીજી તરફ રીવરફ્રન્ટ ઉપર કરોડોના ખર્ચે એસ.વી.પી. હોસ્પિટલના મેડીકલ વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે, તેમાં હાલ ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ રહે છે.

પરંતુ હાલમાં મેડીકલના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ હોસ્ટેલમાં મેડીકલના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શક્તો નથી અમદાવાદ મ્યુ.કોર્પોનું વાર્ષિક રૂ.૧૨૦૦૦ કરોડનું બજેટ હોવા છતાં પાલડી પ્રિતમનગર ખાતે આશ્રમરોડ પર આવેલ બોઇઝ હોસ્ટેલને રીનોવેશન કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી જરૂરી નાણાંનો અભાવ છે તેવા વાહીયાત બિનસંગત કારણો આપવામાં આવી રહયા છે.

વી.એસ.ની મેડિકલ કોલેજ એસવીપી ને ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. તેમજ યેનકેન પ્રકારે વી.એસ.ને નામશેષ કરવામાં આવી છે. મેટ કે જે અલગ સંસ્થા છે તેને જીવતી રાખવા માટે શહેરીજનો નાણાં ખર્ચ થઈ રહ્યા છે પરંતુ મેટ સંચાલિત એસવીપી હોસ્પિટલ માં શહેરીજનો ને રાહતદરે સારવાર આપવામાં આવતી નથી.

એન.એચ.એલ.મેડિકલ કોલેજનો મેટમાં સમાવેશ કર્યા બાદ પ્રજાના પરસેવાની કમાણીમાંથી નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે પરંતુ જૂની હોસ્ટેલને રીપેર કરવામાં આવતી નથી.

મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના હિત માટે સદર બોયઝ હોસ્ટેલનું વહેલી તકે રીનોવેશન કરવા માટેની જરૂરી કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.