Western Times News

Gujarati News

72 હજારથી વધુ તાવના દર્દીઓના બ્લડ ટેસ્ટ કરાયા અર્બન હેલ્થ સેન્ટરોમાં

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરમાં તાવનાં વધતાં પ્રકોપને પગલે મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર લેવા આવતાં દર્દીઓને કયા પ્રકારનો તાવ આવ્યો છે તે જાણવા માટે ૭૨ હજારથી વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં વાયરલ ફિવર, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ઉપરાંત સ્વાઇન ફ્લુના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોનાં નાગરિકો તાવ આવે એટલે તરત નજીકનાં અર્બન હેલ્થ સેન્ટરમાં દોડી જતાં હોય છે. તેમને વાયરલ ફિવર છે કે મેલેરિયા છે કે ડેન્ગ્યુ થયો છે તે જાણવા માટે બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે.

છેલ્લા ૨૧ દિવસમાં જ તાવની તપાસ માટે ૭૨ હજારથી વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ડેન્ગ્યુ થયો છે કે નહિ તે જાણવા માટે ૯૫૦૦થી વધુ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસાની મોસમમાં તેમજ હાલ બદલાયેલાં વાતાવરણમાં વાસી તથા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ આરોગવાનાં કારણે તેમજ પ્રદૂષિત પાણી પીવાના કારણે ઝાડાઉલ્ટી, કમળો, ટાઇફોઇડ તથા કોલેરાનાં રોગચાળામાં ચિંતાજનક વધારો થયો છે.

મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને પણ ખોરાકી અને પાણીજન્ય રોગચાળાને લઇ અનેકવાર અધિકારીઓને ખખડાવ્યા છે, તેમ છતાં ફૂડ વિભાગનાં અધિકારી શેઠની શિખામણ ઝાંપા સુધીની કહેવતને અનુસરી કામગીરી કરે છે. ખોરાકી અને પાણજન્ય રોગચાળાનાં આંકડા ૨૦૨૨ તથા ૨૦૨૩નાં વર્ષનાં આંકડા કરતાં વધી ગયા છે અને વર્ષ ૨૦૨૪ને પૂરું થવામાં હજુ ૩ મહિના બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.