કોટ વિસ્તારની હેરીટેજ મિલ્કતોનું વ્યાપારીકરણ
ઝોનના એસ્ટેટ અધિકારી દાયકા પહેલા થયેલ બાંધકામો ને સીલ કરી ભૂ-માફીયાઓને બચાવી
|
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : હેરીટેજ સીટી અમદાવાદ માંથી ઐતિહાસિક મિલ્કતો નામશેષ થઈરહી છે. ભારતના સર્વેપ્રથમ હેરીટેજ સીટીનો દરજજા મળ્યા બાદ હરખધેલા થયેલ મ્યુનિ. શાસકો ઐતિહાસિક મિલ્કતોની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. જેના કારણે હેરીટેજ મિલ્કતોનું વ્યાપારીકરણ થઈ રહયું છે. જેના માટે મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર તથા ખાડીયાના વોર્ડ ઈન્સ્પેકટરો સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.
મ્યુનિ. હેરીટેજ કમીટી દ્વારા જે ઐતિહાસિક મિલ્કતોમાં રહેણાંક કે કોમર્શીયલ પ્રકારના બાંધકામો ચાલી રહયા છે. તેને સીલ કરવા માટે મધ્યઝોન એસ્ટેટ વિભાગને ભલામણ કરવામાં આવી હતી. પરંતુ “ગુલાબી” રંગથી રંગાઈ ગયેલા એસ્ટેટ ખાતાના અધિકારીઓએ દાયકા અગાઉ થયેલ બાંધકામો ને સીલ કરીને ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે. હેરીટેજ કમીટી દ્વારા ભલામણ કરવામાં આવેલ બાંધકામો સામે આંખ આડા કાન કરવામાં આવી રહયા હોવાના અહેવાલ બહાર આવ્યા છે !
હેરીટેજ મિલકતોમાં ચાલી રહેલ બાંધકામની યાદી |
ક્રમ | રે. સર્વે નં. | વોર્ડ | સ્થળનું નામ |
૧. | ૧૬૪૦-૪૧ | જમાલપુર-૨ | કંસારાની પોળ- મહાજન વંડો |
૨. | ૧૨૩૦ | ખાડિયા-૧ | વહેરાઈ પાડાની પોળ |
૩. | ૧૬૧૦ | કાલુપુર-૩ | છીપા પોળ |
૪. | ૨૬૬૫ | ખાડિયા-૩ | શ્રી રામજીની શેરી |
૫. | ૧૪૮ | ખાડિયા-૧ | સરકીવાડ |
૬. | ૬૧૬ | ખાડિયા-૩ | ચાંદલા ઓળ |
૭. | ૬૨૫ | ખાડિયા-૩ | ચાંદલા ઓળ |
૮. | ૨૧૭૧ | ખાડિયા-૧ | સરકીવાડ, તાલીયાની પોળ સામે |
સેપ્ટના સર્વે મુજબ મધ્યઝોનના શાહપુર, ખાડીયા, કાલુપુર (જુના વોર્ડ), જમાલપુર તથા રાયખડ તથા દરીયાપુર વોર્ડમાં કુલ રર૩૬ રહેણાંક પ્રકારની હેરીટેજ મિલ્કતો છે. તથા ઈન્સ્ટીટયુનલ પ્રકારની ૪૪૯ મિલ્કતો મળી કુલ ર૯૮પ ઐતિહાસિક મિલકતો છે.શહેરની ઐતિહાસિક મિલ્કતો મામલે શરૂઆત થી જ વિવાદ રહયો છે. ર૦૦૦ થી ર૦૧૦ સુધીના સમયગાળા દરમ્યાન ૧રપ૦૦ ઐતિહાસિક મિલ્કતો હોવાની જાહેરાતો કરવામાં આવી હતી. તથા હેરીટેજ પ્રોપર્ટી ની સાચવણી તથા મરામત માટે ખાસ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ર૦૧૧ ની ર૦૧૬ સુધીના સમયગાળામાં સેપ્ટને સર્વેની કામગીરી સોપવામાં આવી હતી. સેપ્ટે તેના સર્વેમાં દસ હજાર હેરીટેજ મિલ્કતો ગાયબ કરી હતી. જેનો મ્યુનિ. કોર્પોરેશનના મહાનુભાવોએ સ્વીકાર કર્યો હતો.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેપ્ટના સર્વે મુજબ જ યુનેસ્કોમાં ડોઝીયર મોકલવામાં આવ્યું હતું. સેપ્ટના સર્વેમાંથી દસ હજાર મિલ્કતો કેવી રીતે ગાયબ થઈ તેની તપાસ કરવાની તસ્દી શાસકો અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી ન હતી. તેવી જ રીતે છેલ્લા સર્વે મુજબ જે ર૯૮પ મિલ્કતો છે.
તેમાંથી પણ લગભગ ર૦ ટકા મિલ્કતો ઓછી થઈ ગઈ છે. જેના માટે મધ્યઝોન એસ્ટેટ વિભાગ ભૂ-માફીયાઓ અને રાજકારણીઓ જવાબદાર છે. કોટ વિસ્તારની ઐતિહાસિક મિલ્કતો તોડીને તેના સ્થાને રહેણાંક કે કોમર્શીયલ પ્રકારના બિલ્ડીંગો બની રહયા છે. જેને સીલ કરવા કે તોડવાના બદલે ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર દાયકા અગાઉના બાંધકામોને સીલ કરી રહયા છે. હેરીટેજ કમીટી દ્વારા જે યાદી આપવામાં આવી હતી. તેને અભરાઈએ મુકવામાં આવી છે.
મધ્યઝોનની ઐતિહાસિક રહેણાંક મિલ્કતોના સ્થાને રહેણાંક તથા કોમર્શીયલ પ્રકારના બાંધકામ થઈ રહયા છે. મધ્યઝોન એસ્ટેટ ખાતાના અધિકારીઓની રહેમ નજરે “હેરીટેજ” મિલ્કતો નામશેષ થઈ રહી છે. હેરીટેજ કમીટીને આ ગોરખધંધાની જાણ થતા કમીટી સભ્યો દ્વારા ખાસ રાઉન્ડ લેવામાં આવ્યો હતો. તથા જે હેરીટેજ મિલ્કતોને તેના સ્થાને નવા બાંધકામો ચાલી રહયા છે.
તેને સીલ કરવા માટે મધ્યઝોનના ડે.એસ્ટેટ ઓફીસર લેખીત યાદી મોકલવામાં આવી હતી.
હેરીટેજ કમીટીએ કંસારાની પોળ (મહાજન વંડો જમાલપુર વોર્ડ) વેરાઈપાડાની પોળ (ખાડીયા-૧), છીપા પોળ, (કાલુપુર-૩) શ્રી રામજીની શેરી (ખાડીયા-૩) સરકારીવાડ (ખાડીયા-૧) ચાંદલાઓળ (ખાડીય-૩) માં બે મિલકતો તથા તળીયાની પોળ, સરકીવાડ સામે (ખાડીયા-૧) ની મિલ્કતો સીલ કરવા માટે ઝોનના ડે.એસ્ટેટ ઓફીસરને ભલામણ કરી હતી.
એસ્ટેટ ખાતાની રહેમ નજરે જ આ બાંધકામો થઈ રહયા હોવાથી ૧૦૦ ટકા કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ તેના સ્થાને સેપ્ટ દ્વારા સર્વે કરવામાં આવ્યો તે પહેલા જે મિલ્કતોમાં દુકાનો બની હતી તેને સીલ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ મધ્યઝોન એસ્ટેટ વિભાગે રાજા મહેતા ની પોળ (કાલુપુર) વેરાઈપાડાની પોળ (કાલુપુર) ચાંલ્લા પોળ (ખાડીય) માંડવીની પોળ (જમાલપુર-ર) છીપા પોળ (કાલુપુર) તથા શ્રીરામજીની શેરી (ખાડીયા) ની મિલ્કતો સીલ કરી છે.
તદ્દઉપરાંત હેરીટેજ મિલ્કતો તોડી ને બાંધકામ કરતા બિલ્ડરોને બચાવવા માટે ચાંલ્લા ઓળમાં વધુ બે ગાંધીરોડ પર ચાર, સારંગપુર માં બે તથા સાંકડી શેરીમાં બે મિલ્કતો સીલ કરી છે. હેરીટેજ યાદી જાહેર થઈ તે પહેલા આ મિલ્કતોમાં બાંધકામ થયા હતા. મધ્યઝોન એસ્ટેટ ખાતાની એકતરફી તથા ભુ-માફીયાઓને રક્ષણ આપતી કામગીરી સામે સ્થાનિક રાજકારણીઓ અને વેપારીઓમાં ઉગ્ર રોષ જાવા મળી રહયો છે.
મધ્યઝોન એસ્ટેટ ખાતા તરફથી હેરીટેજ મિલ્કતના માલિકો કે વપરાશકર્તાઓને જે નોટીસો આપવામાં આવી છે. તેમાં જાવક નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં આ મામલે તકલીફ થાય તો નોટીસ શોધવામાં તકલીફ થઈ શકે છે. ડે.એસ્ટેટ ઓફીસર અને ખાડીયા ના વોર્ડ ઈન્સ્પેકટરે જે સ્થળે દ્વારા અર્થમાં બાંધકામ ચાલી રહયા છે. તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરી નથી.
જેના પરિણામે જ ર૦૧૧થી ર૦૧૬ ના સમયગાળામાં સેપ્ટના સર્વે કરતા લગભગ ર૦ ટકા મિલ્કતો ઓછી થઈ છે. આ બંને મહાનુભાવો તેમના કાર્યકાળ દરમ્યાન થયેલ બાંધકામો સામે આંખ આડા કાન કરી ને દાયકા જુના બાંધકામોને સીલ કરી રહયા છે. તેવા આક્ષેપ થઈ રહયા છે !