યુએનએસસીમાં સુધારાના પ્રસ્તાવને વૈશ્વિક નેતાઓની સંમતિ
ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતીમાં સુધારાની ભારત સહિતના દેશોની વર્ષાેની માગ ધીરે ધીરે ફળીભૂત થાય તેવી સંભાવનાઓ સર્જાઈ છે. તાજેતરમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પ્રથમવાર સલામતી સમિતીમાં સુધારા અંગેનો વિગતવાર ઉલ્લેખ કરાયો છે.
સંયુક્ત રાષ્ટ્રના દસ્તાવેજમાં સલામતી સમિતીમાં સુધારા અંગેના વિગતવાર ફકરાના સમાવેશને ભારતે ‘શુભ શરૂઆત’ તરીકે ગણાવી છે. ભારતે આ મામલે નિશ્ચિત સમયમર્યાદામાં વાટાઘાટો શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી છે.
યુએનમાં એકત્ર થયેલાં વૈશ્વિક નેતાઓએ રવિવારે, સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા કરી તેને વધુ સમાવેશક, પારદર્શક, અસરકારક, લોકતાંત્રિક, જવાબદાર અને વધુ પ્રતિનિધત્વ આધારીત બનાવવા અંગેની ‘પેક્ટ ઓફ ફ્યુચર’ને સર્વસંમતિથી સ્વીકારી હતી.
યુએનના અધિકારીઓએ ‘પેક્ટ ઓફ ફ્યુચર’ને સિક્યુરિટી કાઉન્સિલના વર્ષાેથી વિલંબિત સુધારા તરીકે ગણાવી હતી. આ અંગે એક સવાલના જવાબમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, યુએનની સમિટમાં પ્રથમવાર સલામતી સમિતીના સુધારા અંગેના વિગતવાર ફકરાનો સમાવેશ કરાયો છે.
તેમાં આપણે વિચારીએ છીએ અથવા તો આપણે ઈચ્છીએ છીએ તે તમામ વિગતો કદાચ ના હોય પરંતુ આ એક સારી શરૂઆત છે. અત્યાર સુધી આ સ્તરની મંત્રણાઓમાં આપણે ક્યારેય નક્કર ચર્ચા થઈ હોય તેવું નહોતું જોયું, જોકે આ વખતે તે દિશામાં મહત્વનું પગલું ભરાયું છે, જે અત્યંત હકારાત્મક બાબત છે.
યુએનમાં યોજાયેલી વૈશ્વિક નેતાઓની બેઠકમાં આળિકાને અત્યાર સુધી થયેલાં ઐતિહાસિક અન્યાયને દૂર કરવાને સર્વાેચ્ચ પ્રાથમિકતા આપવા સર્વસંમતિ સધાઈ હતી. આ ઉપરાંત તેમાં સિક્યુરિટી કાઉન્સિલનું વિસ્તરણ કરી તેમાં વધુ દેશોના પ્રતિનિધિઓને સામેલ કરવા પણ સહમતિ સધાઈ હતી.
અમેરિકાની ત્રણ દિવસની સફળ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે નવી દિલ્હી પરત ફર્યાં હતાં. પોતાની ત્રણ દિવસની યાત્રા દરમિયાન પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી તેમને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રવાસ દરમિયાન તેમણે ક્વોડ બેઠકમાં ભાગ લેવા ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
હાલમાં ચાલી રહેલાં યુક્રેન- રશિયા અને ઈઝરાયેલ- પેલેસ્ટાઈન વચ્ચેના જંગ વચ્ચે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી તથા પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મેહમુદ અબ્બાસને મળી વૈશ્વિક શાંતિમાં ભારતની વધતી ભૂમિકાનો સંકેત આપ્યો હતો.SS1MS