સુરતમાં હીરાના કારખાનામાં ગેસ લિકેજથી ફ્લેશ ફાયરમાં ૧૪ રત્નકલાકાર દાઝ્યા
સુરત, શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં આજે મંગળવારે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. ડાયમંડ ફેક્ટરીએ એલપીજી ગેસનો ઉપયોગ કરવા માટે બનાવેલી પ્રાઈવેટ ગેસ પાઈપ લાઈનમાં લિકેજને કારણે અચાનક બલાસ્ટ થયા બાદ ફ્લેશ ફાયર થઈ હતી.
આ દુર્ઘટનામાં ૧૪ રત્નકલાકાર દાઝ્યા હતા. ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને આગ તો બુઝાવી દીધી હતી પરંતુ આ ઘટનામાં બે રત્નકલાકારોની હાલત કટોકટ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીની પેન્ટ્રીમાંથી પસાર થતી ગેસ પાઈપ લાઈનમાં ધડાકો થયો હતો.
આગની ઝપેટમાં આવતા ફેક્ટરીમાં કામ કરતા ૧૪ રત્નકલાકારો દાઝી ગયા હતા. બે વ્યક્તિની હાલત ગંભીર છે. તમામને સારવાર અર્થે નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડના સૂત્રોનું કહેવું હતું કે, ઘટના બની ત્યારે ફેક્ટરીમાં ડાયમંડના ક્લિનીંગની કામગીરી ચાલી રહી હતી. એકાએક ગેસ લાઈનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.
હીરા ઉપરની ધૂળ સાફ કરવા માટે આ ગેસ લાઈનનો ઉપયોગ કરાતો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે, ડાયમંડની ફેક્ટરીના સંચાલકોએ પીએનજી(પાઈપ નેચરલ ગેસ) ગેસની લાઈન નાખી નહતી. તેમણે ફેક્ટરીની બહાર એલપીજીના સિલિન્ડર મૂક્યા હતાં. ત્યાંથી પ્રાઈવેટ પાઈપના નેટવર્કથી ફેક્ટરીમાં અંદર એલપીજી ગેસ લઈ જવાતો હતો. એટલે તેમાં લિકેજને કારણે આ ધડાકો થયો હતો.
એલપીજીને આ રીતે પાઈપના નેટવર્કથી ફેક્ટરીમાં સર્ક્યુલેટ કરીને પછી ઉપયોગ કરવો એ ખૂબ જોખમી બાબત છે. તેનો ફેક્ટરીના સંચાલકોને અંદાજ નહતો અને તેના કારણે આ ફ્લેશ ફાયરની ઘટના બની હતી, તેમાં એકાએક બ્લાસ્ટ સાથે ફ્લેશ ફાયરમાં હીરાના ક્લિનિંગનું કામ કરતા ૧૪ રત્નકલાકારો દાઝી ગયા હતા.SS1MS