આત્મસંતોષ અને સુખની અતૂટ ભાઈબંધી
આત્મસંતોષ એ માનવજીવનની સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. સુખએ માનવજીવનની શ્રેષ્ઠ અનુભુતીની પરાકાષ્ટા છે તેને મેળવવા માટે અનિવાર્ય રીતે ઉચ્ચ વિચારોની જરૂર પડે છે.
ખરાબ નીતિ અને દગાથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક સફળતા ભલે પ્રાપ્ત કરી લે, પરંતુ તે આત્મગ્લાનિ અને આત્મવંચનાની આગમાં હંમેશાં સળગતી રહે છે. આત્મગ્લાનિ અને તિરસ્કાર જેવાં મલિન વિશેષણો તેની આગળ પાછળ જોડાતાં રહે છે, જે સમાજની દૃષ્ટિએ સ્વીકાર્ય નથી હોતા.
અવિશ્વાસ અને અસહયોગનો દંડ આવા માણસોએ દરેક પળે સમાજ તરફથી અને તેના પરિચિતિ તરફથી ભોગવવો પડે છે. આ અવહેલનાને સહન કરનારા લોકો કોઈ દિવસ ઊંચા મસ્તકે ચાલી શકતા નથી અને હંમેશાં પોતે એકાકી હોવાનો અનુભવ કરે છે.આવી ભાવના તેને કોઈ સર્જનાત્મક રીતેક્યાંય પૂર્ણપણે ઉગવા કે વિકસવા નથી દેતું. બીજાની પ્રગતિ જોઈને અંદરથી જલનારા પોતે ક્યારેય ઉંચે નથી આવી શકતા.
કેટલાંક લોકો આટલું નુકસાન સહન કરીને આગળ આવીને ધન પ્રાપ્ત કર્યું હોય, તો પણ એ સમજી લેવું જોઈએ કે તે કમાયો થોડું અને ઘણું બધું ગુમાવ્યું છે. ઉચ્ચ ચારિત્ર્યની મહાનતા જે સમજે છે તે આત્મસંતોષ તથા લોકસન્માનની સાથે સાથે દૈવી કૃપા પણ મેળવે છે અને મહાપુરુષોને મળતું સન્માન પણ મેળવે છે.
આવું સુખ ખુબ ઓછાને પ્રાપ્ત થાય છે. આ સુખ જ્યાં આત્મસંતોષ હોય ત્યાંજ પોતાના અસ્તિત્વની હાજરી પુરાવે છે. મારું માનવું છે, પહેલા તો આ સુખ મેળવવું અઘરું છે પછી એનું સાતત્ય જાળવવું એનાથી પણ કઠિન કાર્ય છે.અહીં મને એક મારા લખેલાં કાવ્યની ચાર પંક્તિઓ ટાંકવાનો વિચાર આવ્યો,
‘સુખ સાંધવાની સોય કહો ક્યાં મળે છે?
મારે સુખ સાંધતા શીખવું છે,
ભલે આંગળી મારી ક્યારેક વિંધાઈ જાય,
સુખનો એક સળંગ ટુકડો ક્યાં મળે છે?
મારે કટકામાં ક્યાં વહેંચાવું છે?
ભલે હૂંફનો દોરામાં સિવાઈ જાય,’
સુખને શોધવું પડે, આપણે સૌ જાણીયે છીએ જે વ્યક્તિને પોતાની આસપાસ રહેલાં વ્યક્તિઓ સાથે પોતાની ખુશીઓ વહેંચવાનો શોખ હોય છે એની ખુશીઓ અને સુખ જુદા જુદા હિસ્સાઓમાં વહેંચાયેલું હોય છે.
કેટલાક માણસો એવા પણ હોય છે કે જે સુખને બીજા પગથિયે મૂકીને દરેક જાતની પરિસ્થિતિમાં પોતાની આદર્શનિષ્ઠા અને સિદ્ધાંતનિષ્ઠાને અખંડ રાખે છે. પરિસ્થિતિ તેમને પ્રભાવિત કરી શકતી નથી.
આદર્શોનું રક્ષણ અને કર્તવ્યપરાયણતાને તેઓ પોતાનો સૌથી મોટો ધર્મ માને છે. નુકસાનમાં ઊતરી જાય તો પણ તેઓ આનંદથી નિષ્ફળતાને સ્વીકારીને પણ પોતાની પ્રામાણિકતા પર આંચ આવવા દેતા નથી. આવા માણસો દેશ અને સંસ્કૃતિનું ગૌરવ છે. ખુદ તો મહાન બને જ છે, પરંતુ મહાનતાના ગુણોથી તે બીજાઓને પણ પ્રકાશ અને પ્રેરણા આપતા રહે છે.આવું જીવન જીવવું અઘરું હોય છે.
આત્મસંતોષની વ્યાખ્યા માત્ર એટલી જ છે કે, જયારે વ્યક્તિ જીવનની દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળીને જીવનથી ઓછી ફરિયાદ કરે, ત્યારે તેણે આત્મસંતોષનો ગુણ સાચા અર્થમાં સમજ્યો છે એવું કહી શકાય.
આવી વ્યક્તિ જયારે ખરેખર અંતરથી ખુશ હોય ત્યારે એ સાચા સુખ તરફ આગળ વધ્યો છે એવું કહી શકાય. સાચું કહે છે કે, આત્મસંતોષ અને સુખને વિશિષ્ટ ભાઈબંધી છે. બન્ને જોડે જ રહે છે અને એકમેક સાથે સંપીને જીવે છે.