Western Times News

Gujarati News

ફતેવાડી કેનાલને ખારીકટની જેમ ડેવલપ કરવા માંગણી

સ્થાનિક કોર્પોરેટરે બાળકોના અપમૃત્યુ રોકવા મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ, શહેરના મકતમપુરા- સરખેજ વિસ્તારમાંથી પસાર થતી કેનાલ યમદૂત સમાન બની રહી છે. આ કેનાલમાં ડૂબી જવાથી અનેક નાના બાળકોના મૃત્યુ થયા છે. આવી ઘટનાઓને રોકવા માટે સ્થાનિક કોર્પોરેટરે કેનાલ ડેવલપ કરવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે.

મકતમપુરા વોર્ડના કોર્પોરેટર ઝુબેર પઠાણના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની હદવિસ્તારમાં સમાવિષ્ટ ફતેહવાડી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નિગમની માલિકીની કેનાલમાં ફતેહવાડી વિસ્તારમાં રહેતા બે માસૂમ બાળકો (૧).અફઝલ કામરૂદ્દીનભાઈ કાલીયા (૨).સમીર સિકંદરભાઈ ઇસબાની) ના કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે.

અગાઉ પણ આ જ રીતે આ વિસ્તારમાં રહેતા અનેક ગરીબ પરિવારોએ પોતાના નાના ભૂલકાઓ આ કેનાલની અંદર ગુમાવ્યા છે.અમદાવાદ મ્યુ.કોર્પોરેશન અને સરદાર સરોવર નિગમના લગતા વળગતા તમામ અધિકારીઓને આ કેનાલની બંને તરફ સમાંતર લોખંડની પાઈપો વડે બેરીકેટિંગ કરીને કેનાલની બંને તરફ આવેલા સર્વિસ રોડ બનાવવા બાબતે અને ફતેહવાડી કેનાલ ઉપર સવેરા હોટલ પાસે આવેલ પ૬૦૦ વાળું જર્જરિત થઈ ગયેલ કલવર્ટ પહોળું કરવા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે.

જેથી વિશાલા સર્કલથી સરખેજ તરફ જતા નેશનલ હાઇવે ઉપરનો ટ્રાફિકનો ભારણ ડાયવર્ટ થાય અને આ કેનાલની સમાંતર બંને તરફનો રોડ બની જવાથી જાહેર અવાર જવર હોવાને કારણે કેનાલની પાસે કોઈપણ બાળક દેખાય તો ત્યાંથી પસાર થતા નાગરિકોની નજરે ચડે અને આવા બનાવો બનતા અટકી શકે પરંતુ આ વિભાગોના અધિકારીઓના સંકલનના અભાવે આ કામ કરવામાં આવતું નથી.

જેનો ભોગ બે માસૂમ બાળકો બન્યા અને આ બાળકોના પરિવારોને આ દુખ અને ભારે પીડા સહન કરવાનો વારો આવ્યો છે.મકતમપુરા અને સરખેજ વિસ્તારના તમામ નાગરિકોને  આશા છે કે જે પ્રકારે અમદાવાદ મ્યુ.કો. દ્વારા ખારીકટ કેનાલ ડેવલપ કરવામાં આવી રહી છે.

તે જ પ્રકારે આ ફતેહવાડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલની બંને તરફ સમાંતર લોખંડની પાઈપો વડે બેરીકેટિંગ કરીને કેનાલની બંને તરફ આવેલા સર્વિસ રોડ બનાવી આ કેનાલને ડેવલપ કરવાનું કામ રાજ્ય સરકારના સિધ્ધાંત “સૌનો સાથ સૌનો વિકાસ” મુજબ મુખ્યમંત્રી કાર્યાલયથી અમદાવાદ મ્યુ.કોર્પોરેશન અને સરદાર સરોવર નિગમને આદેશ આપવામાં આવે તેવી અપેક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.