એશિયન અમેરિકન મતદાતાઓમાં ટ્રમ્પ પર હેરિસની સરસાઇ: સરવે
વોશિંગ્ટન, અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે એક સરવેમાં એશિયન અમેરિકન મતદાતાઓમાં કમલા હેરિસ ટ્રમ્પ કરતાં ૩૮ પોઇન્ટથી આગળ હોવાનું જણાવાયું છે. જુલાઇમાં પ્રેસિડેન્ટ બાઇડેને ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી આ પહેલો સરવે છે.
શિકાગો યુનિવર્સિટીની એનઓઆરસી દ્વારા કરાયેલા સરવે અનુસાર એશિયન અમેરિકન મતદાતાઓમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પ કરતાં ૩૮ પોઇન્ટ આગળ છે. આ સાથે બાઇડેનની ૧૫ પોઇન્ટની સરસાઇમાં ૨૩ પોઇન્ટનો ઉમેરો થયો છે.
૬૬ ટકા એશિયન અમેરિકન મતદાતા હેરિસને મત આપવાની યોજના ધરાવે છે. જ્યારે ૨૮ ટકા જ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પની તરફેણમાં છે. હેરિસ અને ટ્રમ્પ સિવાયના ઉમેદવારને મત આપનારા લોકોની સંખ્યા છ ટકા છે. એપ્રિલ-મેમાં કરાયેલા ૨૦૨૪ એશિયન અમેરિકન વોટર સરવેમાં ૪૬ ટકા એશિયન અમેરિકન્સે બાઇડેન પર પસંદગી ઉતારી હતી.
જ્યારે ૩૧ ટકાએ ટ્રમ્પને ટેકો આપ્યો હતો. દરમિયાન એશિયન અમેરિકન મતદાતાઓમાં હેરિસની લોકપ્રિયતા ૧૮ પોઇન્ટ વધી છે. સરવેના તારણ અનુસાર ૬૨ ટકા એશિયન અમેરિકન વોટર્સે જણાવ્યું છે કે, તે કમલા હેરિસ માટે સાનુકૂળ અભિપ્રાય ધરાવે છે. જ્યારે ૩૫ ટકાને હેરિસ પસંદ નથી.SS1MS