એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પાછળ રાખી ભારત ત્રીજા સ્થાને
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયન થિંક-ટેન્ક દ્વારા જારી કરાયેલા વાર્ષિક ‘એશિયા પાવર ઇન્ડેક્સ’માં ભારતે જાપાનને પછાડી ત્રીજું સ્થાન મેળવ્યું છે. કોરોના પછીની ઝડપી આર્થિક વૃદ્ધિને કારણે ભારતની ટોપ-૩ દેશોમાં એન્ટ્રી થઈ છે.
ચીન સ્થગિત વૃદ્ધિ સાથે અમેરિકા પછી બીજા ક્રમે રહ્યું છે. સિડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યુટે એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકાને ૮૧.૭ના સ્કોર સાથે મોખરાનું સ્થાન આપ્યું છે.
ઇન્ડેક્સના રેન્કિંગ જાહેર કરતી વખતે ભારતની વૃદ્ધિ માટે આર્થિક વૃદ્ધિ, ભાવિ સંભાવના અને રાજદ્વારી પ્રભાવને મહત્વના પરિબળ ગણાવવામાં આવ્યા છે.
જોકે, તેમાં એવું પણ જણાવાયું છે કે, ભારતના સ્રોતોની તુલનામાં તેની વૃદ્ધિ અપેક્ષિત સંભાવના કરતાં ઓછી રહી છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્કે જણાવ્યું હતું કે, “કોરોના મહામારી પછી ભારતે પ્રોત્સાહક આર્થિક રિકવરી દર્શાવી છે.
જેને લીધે આર્થિક ક્ષમતામાં ૪.૨ પોઇન્ટનો વધારો નોંધાયો છે. ભારતની બહોળી વસતી અને મજબૂત જીડીપી વૃદ્ધિ વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે તેના સ્થાનને યોગ્ય ઠેરવે છે.” થિંક-ટેન્કના જણાવ્યા અનુસાર “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગિરીને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક ઓળખ મળી છે.
વિવિધ વાટાઘાટ તેમજ ક્વોડમાં ભારતની આગેવાનીને કારણે તે પ્રાદેશિક સુરક્ષા સમીકરણોમાં મહત્વની ભૂમિકા ભજવી શક્યું છે. તે લશ્કરી એલાયન્સ સિવાય પણ અન્ય દેશો સાથે સારી ભાગીદારી કરવામાં સફળ રહ્યું છે.”
ઓસ્ટ્રેલિયાની થિંક-ટેન્કે એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકાને ૮૧.૭ના સ્કોર સાથે મોખરાનું સ્થાન આપ્યું છે. ચીન (૭૨.૭) બીજા અને ભારત (૩૯.૧) ત્રીજા ક્રમે રહ્યા છે.
જાપાન ૩૮.૯ના સ્કોર સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા ૩૧.૯ સાથે પાંચમા અને રશિયા ૩૧.૧ના સ્કોર સાથે છઠ્ઠા ક્રમે રહ્યા છે. ઇન્ડેક્સમાં ૨૭ દેશોને રેન્કિંગ આપવામાં આવે છે. જેમાં દેશોની બાહ્ય માહોલને ઓપ આપવાની ક્ષમતા ધ્યાનમાં લેવાય છે.SS1MS