અમદાવાદ અને ગાંધીનગરની 29 સ્કૂલ્સને રાજ્યપાલના વરદ હસ્તે ‘સુપર સ્કૂલ’ એવોર્ડ એનાયત
માર્કસના આંકડાઓથી મહાન નથી બનાતું, વિચારોની તાકાત અને આત્માની શક્તિનું પરિણામ છે મહાનતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
વિદ્યાર્થીઓને માત્ર જાણકારી કે માહિતી નહીં, વિદ્યા આપવાની જરૂર છે.
સંદેશ મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૉફીટેબલ બૂક – ‘એજ્યુપ્રુડેન્સ-૩ : સુપર સ્કૂલ્સ‘ નું વિમોચન કર્યું
માર્કસના આંકડાઓથી મહાન નથી બનાતું, વિચારોની તાકાત અને આત્માની શક્તિનું પરિણામ છે મહાનતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ અને ગાંધીનગરની 29 સ્કૂલ્સને ‘સુપર સ્કૂલ‘ એવોર્ડ એનાયત કરતાં કહ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓને માત્ર જાણકારી કે માહિતી નહીં, વિદ્યા આપવાની જરૂર છે.
35 વર્ષો સુધી ગુરુકુલના પ્રધાનાચાર્ય તરીકે બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ, ઉચ્ચ સંસ્કાર અને ઉમદા સ્વાસ્થ્ય માટે પ્રયત્નશીલ રહેલા શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંદેશ મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત સમારોહમાં સુપર સ્કૂલના સંચાલકોને સંબોધતાં કહ્યું હતું કે, શિક્ષકો-ગુરુજનોના સમર્પણ, મહેનત અને તપસ્યા ક્યારેય વ્યર્થ નથી જતા. માતા પોતાના સંતાનોને ગુરુજનોના ભરોસે સોંપે છે ત્યારે ગુરુજનોએ પણ એક મા પોતાના ગર્ભનું જે રીતે જતન કરે છે, એટલી જ કાળજીથી વિદ્યાર્થીની સંભાળ રાખવાની હોય છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, નદીઓ, સડકો, ભવનોથી રાષ્ટ્ર ભવ્ય નથી બનતું. વીર પૂંગવોના શોર્યથી, વીર માતાઓના સતીત્વથી અને મેધાવી, ચરિત્રવાન, સાંસ્કૃતિક મૂલ્યોથી સભર સંતાનોથી ભવ્ય રાષ્ટ્રનું નિર્માણ થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત‘ના સંકલ્પ સાથે દેશનું ગૌરવ અને ગરિમા વધારવા સતત પ્રયત્નશીલ છે ત્યારે, બાળકોને શ્રેષ્ઠ વિદ્યા આપીને શ્રેષ્ઠ માનવનું નિર્માણ કરીએ. ‘વિકસિત ભારત‘ મિશનમાં આ આપણું સૌથી મોટું યોગદાન હશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શિક્ષકોને નમ્રતાપૂર્વક કહ્યું હતું કે, શિક્ષકોએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. શિક્ષકોની જવાબદારી મૂલ્યવાન અને સંસ્કારી નાગરિકોનું નિર્માણ કરવાની છે. રાજયપાલશ્રીએ તેમના ગુરુકુલ કુરુક્ષેત્રના અનુભવોથી શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૉફીટેબલ બૂક – ‘એજ્યુપ્રુડેન્સ-૩ : સુપર સ્કૂલ્સ‘ નું વિમોચન કર્યું હતું. વરિષ્ઠ લેખક અને પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું છે, સાચા ગુરુ દેશના નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘એજ્યુપ્રુડેન્સ -૩ : સુપર સ્કૂલ્સ‘ બૂકમાં અમદાવાદ-ગાંધીનગરની 111 શાળાઓના ઈતિહાસ, મૂલ્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને વ્યવસ્થાપન વિશેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સંદેશ મીડિયા ગ્રૂપના માર્કેટિંગ હેડ શ્રી રાહુલ શાહ, મીડિયા જગતના મહાનુભાવો તેમજ વિવિધ સ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, પ્રતિનિધિઓ અને સંદેશ મીડીયા ગૃપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.