13 દરિયાકિનારે સ્વચ્છતા અભિયાન હાથ ઘરી 12 હજાર કિલોથી વધુ ઘન કચરાનો યોગ્ય નિકાલ
અમદાવાદ, ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રેને ચરિતાર્થ કરવા રાજ્યમાં ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના ૧૩ જેટલા દરિયાકાંઠા ઉપર યોજાયેલ આ અભિયાન હેઠળ ૧૨,૧૦૪ કિ.લો. ઘન કચરો એકત્ર કરીને આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત દરિયાકાંઠે વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે બાળકોમાં લોકજાગૃતિ કેળવાય તે આશયથી ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાની યાદીમાં જણાવાયું હતું.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, સુરતના ડુમસ અને સુવાલી બીચ ઉપર યોજાયેલ સફાઇ અભિયાનમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ, ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇ, વન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત ૬૫૦ નાગરિકો જોડાયા હતા.
આ કાર્યક્રમ બાદ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું. ભાવનગરના હાથબ અને કુડા બીચ સુધીના સફાઇ અભિયાનમાં ૫૦૦થી વધુ નાગરિકોએ સહભાગી બની નાગરિકોએ શ્રમદાન કર્યું હતું.
GEMI, GPCB અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથબ બીચ, કુડા, ડુમસ, સુવાલી, તિથલ, દ્રારકા, વેરાવળ ચોપાટી અને પોરબંદર ચોપાટી. ઉપરાંત માંડવી, દાંડી, નરારા, માધવપુર, સોમનાથ તેમજ પિંગલેશ્વરના બીચ જેવા રાજ્યના ૧૩ દરિયા કિનારા ઉપર યોજાયેલ આ અભિયાનમાં સ્થાનિક વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ-શિક્ષકો, ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિશ્વના વિવિધ ભાગોમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે’નું આયોજન કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ કિનારા પર કચરાથી થતી પર્યાવરણને હાનિકારક અસરોને ઘટાડવાનો તેમજ દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે સ્વચ્છ સમુદ્રના મહત્વ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવાનો છે, તેમ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાની યાદીમાં વધુમાં જણાવાયું છે.