ટેકનોલોજીના વિનિયોગથી સરકારી સેવા-સહાય લોકો સુધી પહોંચાડવાની ગતિ વધીઃ વચેટિયાઓ નાબૂદ થયા: નરહરિ અમીન
અમદાવાદના સાણંદ એપીએમસી ખાતેથી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવતા રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન
અમદાવાદ શહેર-જિલ્લાના ૩૭૧૧ લાભાર્થીઓને સ્થળ પર જ રૂ. ૩૬૩ લાખથી વધુની સાધન સહાય, રૂ. ૫૫૮ લાખથી વધુના ચેકનું વિતરણ અને ૮૯૫ લોકોને હુકમપત્રો એનાયત કરાયા
ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કામાં અમદાવાદ જિલ્લાના ૨૪,૭૨૬ લાભાર્થીઓ કુલ રૂ. ૬૧૪ કરોડથી વધુની વિવિધ યોજનાકીય સહાય મેળવશે
રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીને આજે અમદાવાદના સાણંદ એપીએમસી ખાતેથી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે સાંસદશ્રીએ જણાવ્યું કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ પરંપરાથી રાજ્યના આદિવાસી અને પહાડી વિસ્તારો સહિત છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાકીય સહાય અને લાભ પહોંચ્યા છે.
તેમણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના ૧૩ તબક્કામાં રાજ્યમાં ૧ કરોડ ૬૬ લાખ લાભાર્થીઓને કુલ ૩૬,૮૦૧ કરોડ રૂપિયાની સહાય અને લાભ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના જેવી ફ્લેગશીપ યોજનાઓથી જનસામાન્યના જીવનમાં આવેલા પરિવર્તન વિશે પણ તેમણે છણાવટ કરી હતી.
સાંસદશ્રીએ ઉમેર્યું કે ટેકનોલોજીના વિનિયોગથી સરકારી સેવા- સહાય લોકો સુધી પહોંચાડવામાં સ્પીડ અને સ્કેલ વધ્યા છે, વચેટિયાઓ નાબૂદ થયા છે . પરિણામે, આજે જન ધન બેંક ખાતાને કારણે લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સહાયના પૈસા સીધા પહોંચી રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પરિપાટી વિકસાવી છે તેના પરિણામે તંત્રવાહકો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ હવે લોકોની વચ્ચે રહી ગ્રાસરૂટ લેવલે કાર્યરત રહે છે તેવો સ્પષ્ટ મત સાંસદશ્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને આસપાસના વિસ્તારમાં વસતા અને પાત્રતા ધરાવતા અન્ય નાગરિકોને પણ ગરીબ કલ્યાણ મેળાનો લાભ મળે તે અંગેની જાગૃતિ ફેલાવવા આહવાન કર્યું હતું.
આજે યોજાયેલા કાર્યક્રમમાં કુલ ૩૧ લાભાર્થીઓને પ્રતીકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે સહાય કિટ અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે યોજાયેલા જિલ્લા કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળામાં અમદાવાદ શહેર-જિલ્લાના ૩૭૧૧ લાભાર્થીઓને સ્થળ પર જ રૂ. ૩૬૩ લાખથી વધુની સાધન સહાય અને કિટ, રૂ. ૫૫૮ લાખથી વધુના ચેકનું વિતરણ અને ૮૯૫ નાગરિકોને હુકમપત્રો એનાયત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગરીબ કલ્યાણ મેળાના આ ૧૪મા તબક્કામાં અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લાના કુલ ૨૪,૭૨૬ લાભાર્થીઓને સરકારી યોજનાઓ અંતર્ગત રૂ. ૬૧૪ કરોડથી વધુના લાભ અને સહાય અપાયા છે-આપવામાં આવનાર છે.
આ તકે ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ વિષય પર ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ સૌએ બનાસકાંઠાના ડીસા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે તમામ ઉપસ્થિતોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વસંતબા વાઘેલા, ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલ, સાણંદ પ્રાંત અધિકારી શ્રી ડી.બી. ટાંક, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ કોરડિયા, શ્રી સૂરજ બારોટ તેમજ શ્રી હર્ષિત પટેલ, સાણંદ ઇન્ચાર્જ મામલતદાર શ્રી સી.એલ. સુતરિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી નીરજ બારોટ, શ્રી રોનક પટેલ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.