રોજ એક ગ્લાસ તુલસીનું પાણી પીવાથી ગંભીર બીમારીઓ દૂર જ રહેશે
આપણે ત્યાં દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીની પૂજા તો કરવામાં આવે જ છે પરંતુ તે આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઘણી આયુર્વેદિક અને નેચરોપેથી દવાઓ પણ તુલસીમાંથી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં તુલસીના પાન અને બીજને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી જ આપણા વડીલો તેનું સેવન કરવાની સલાહ આપે છે. આયુર્વેદિક ફાયદાઓના કારણે તુલસીનું વિવિધ રીતે સેવન કરવામાં આવે છે.
કેટલાક લોકો તુલસીના પાનને ચામાં ઉમેરીને પીવે છે જ્યારે કેટલાક લોકો તેને સીધા છોડમાંથી તોડીને ખાય છે. તુલસીનું પાણી પીવાના પણ ઘણા ફાયદા છે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે સૌથી પહેલાં એક ગ્લાસ તુલસીનું પાણી પીવાથી ઘણી ગંભીર બીમારીઓ દૂર રહે છે.
ખાસ કરને વરસાદની ઋતુમાં તુલસીનું પાણી ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી ડેન્ગ્યૂ, મેલેરિયા કે સિઝનલ ફલૂથી રાહત મળે છે. તુલસીના પાનના પાણીને થોડું મધ ભેળવીને પીવાથી પણ કફમાં રાહત મળે છે. ગળાના દુઃખાવા માટે પણ તુલસીનું પાણી ફાયદાકારક છે. તેનાથી કોગળા કરવાથી ફાયદા થાય છે.
દરરોજ તુલસીના પાનનું પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. તુલસીનું પાણી પીવાથી ચયાપચયની ક્રિયા વધે છે. જેનાથી ચરબી ઘટી શકે છે. તુલસીમાં રહેલા તત્ત્વો કેલેરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. એન્ટિ ઓક્સિડેન્ટ્સથી ભરપૂર તુલસી અનેક પ્રકારની બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. પથરી અને કીડનીની સમસ્યાથી પીડિત લોકો માટે પણ તુલસીનું પાણી પીવું ગુણકારી સાબિત થઈ શકે છે.
તુલસીમાં લોહી પાતળું કરવાના ગુણ પણ છે. જો તમને લોહી સંબંધિત સમસ્યા હોય અથવા તમે લોહીને પાતળું કરવાની દવા લેતા હો તો તમારે તુલસીના પાણીનું સેવન તમારા ડૉક્ટરની સલાહ બાદ જ કરવું જોઈએ, કારણ કે, એનાથી રકતસ્ત્રાવની ગંભીર સમસ્યા થઈ શકે છે.