ડોક્ટરની સલાહ વગર આડેધડ દવાઓ લેતા પહેલાં ચેતી જજો
(એજન્સી)વર્ષોથી મેડિકલ સ્ટોર્સમાં ખુલ્લેઆમ વેચાતી પેરાસિટામોલ સહિતના પ૩ દવાઓ કવોલિટી ટેસ્ટમાં ફેલ ગઈ હોવાના રિપોર્ટ ચોંકાવનારા છે. જે દવાઓ કવોલિટી ટેસ્ટમાં ફેલ ગઈ છે તેમાં કેÂલ્શયમ, વિટામીન ડી-થ્રી કેટલીક એન્ટીબાયોટીકસ, હાઈ બ્લડપ્રેશર અને ડાયાબીટીસ મટાડવા વપરાતી દવાઓનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન કવોલિટી ટેસ્ટમાં ફેલ ગયેલા ડ્રગ્સની યાદી બહાર પાડી છે.
કવોલિટી ટેસ્ટમાં જયારે કોઈ દવા ફેલ જાય એનો અર્થ એ થયો કે તે જે રોગ માટે લેવાય છે તેના પર અસર કરી શકતી નથી તેની કોઈ ગુણવત્તા નથી. શરીરમાંના જે બેકટેરીયા કે વાઈરસને ખતમ કરવા લેવાયેલી આ દવા અસર વિહોણી રહે છે. આવી ગુણવત્તા વિહોણી દવા એ માત્ર બિન ઉપયોગી પાવડર બની જાય છે જે શરીરને નુકશાન કરી શકે છે. પેરાસિટામોલ તાવ માટેની ટેબલ્ટ છે જે ધૂમ વેચાય છે. આજકાલ જયારે વાઈરસ ઈન્ફેકશનનું જોર છે ત્યારે લોકો હાલતા ચાલતા પેરાસીટામોલ લેતા હોય છે.
ફેમિલીમાં લોકોને કેટલીક ઘરેલું દવાઓના નામ મોઢે થઈ ગયા છે. લોકો તાવની, દુખાવાની, ઉલટીની વગેરેની ગોળીઓન ઘરમાં અને પ્રવાસમાં રાખતા હોય છે. ઓફિસોમાં પણ લોકો પેરાસિટામોલ અને શરદીની દવાનો સ્ટોક રાખતા હોય છે, લોકો પણ જાહેરમાં દવાઓ લેવાની વાતો છુટથી કરતા હોય છે. આવી છુટથી લેવાતી દવાઓ જો કવોલિટી ટેસ્ટમાં ફેલ જાય તો જેણે તેનો ઉપયોગ કર્યો હોય તેનું શું ?
આવી ટેબલ્ટના સ્ટોકનું શું ? આ પ્રશ્રનો જવાબ કવોલિટી ટેસ્ટ કરીને તેને અયોગ્ય જાહેર કરનારા પાસે પણ નથી. પેરાસિટામોલ એ તાવ મટાડવા માટેની ગોળી છે તે દરેક જાણે છે. કોરોના કાળમાં ડોલો ટેબ્લેટ લેવાની લોકો સલાહ આપતા હતા. ડોલો એ પેરાસિટામોલ છે પરંતુ તે બ્રાન્ડના નામથી વેચાય છે.
સેલ્ડ મેડિકામેન્ટનું જોર આપણા દેશમાં એટલું મોટાપાયે છે તેના કારણે સામાન્ય તાવ કે વાઈરલ ઈન્ફેકશનને કોઈ ગણકારતું નથી અને સીધાજ મેડિકલ સ્ટોર્સ પર જઈને દવા ખરીદી લે છે. સામાન્ય તાવ કે એલર્જી માટે લોકો પોતે જ ડોકટર બની જતા હોય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. મોટા દેશોમાં જતા ભારતીયો પ્રવાસમાં સાથે રોજીંદી જરૂરીયાતની દવાઓ લેતા જાય છે.
આપણે ત્યાં અહીં શહેર કે ગામડાની કોઈ પણ દવાની દુકાનમાં ડાયરીયા (ઝાડા)બંધ કરવાની ગોળી આસાનીથી મળી જાય છે જયારે વિદેશમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં ડોકટરના પ્રિસક્રીપશન વગર એક પણ દવા નથી મળતી તેમાંય એન્ટીબાયોટીકસ મેળવવા તો ફાંફા મારવા પડે એવો ઘાટ હોય છે.
સેલ્ઃ મેડિકામેન્ટ એટલે કે જાતે જ કઈ દવા લેવી તે નકકી કરવું. લોકો જાતે જ દવાઓ એટલા માટે લેતા થયા છે કે આવી દવાઓ મેડિકલ સ્ટોર્સમાં આસાનીથી મળી રહે છે. મેડિકલ સ્ટોર્સવાળા પણ ડોકટરની ભૂમિકા ભજવતા જોવા મળે છે. સેલ્ફ મેડિકામેન્ટનો કોન્સેપ્ટ પ્રચલિત એટલા માટે થાય છે કે લોકો પાસે ડોકટર પાસે જવાનો ટાઈમ નથી અને ડોકટરો દરેક સમયે ઉપસ્થિત નથી હોતા.
જયારે મેડિકલ સ્ટોર્સ પર પ્રતિબંધીત દવાઓ પણ મળી જાય છે. જયારે કોઈ દવા કવેલિટી ટેસ્ટમાં ફેલ જાય ત્યારે તેને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા સાથે સરખાવી શકાય. ભારતમાં બનતી દવાઓ વૈશ્વિક તખ્તા પર અનેકવાર બદનામી અપાવી ચૂકી છે. જેમકે ક્યારેક કફ સિરપની બેનચ કેન્સલ થાય છે તો ક્યારેક આઈડ્રોપની બેચ કેન્સલ થાય છે. આવી ઘટનાઓના કારણે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે ભારતની ઈમેજ બગડતી હોય છે.
સેલ્ફ મેડિકામેન્ટ બહુ જોખમી બાબત છે. શરીરને ક્યા તત્વની એલર્જી છે અને કઈ દવાની એલર્જી છે તે જોયા જાણ્યા વિના સીધા જ દવા લઈ લેવી તે બહુ જોખમ કારક બની રહે છે.
એક તરફ પોતાની જાતે જ તાવ જેવા રોગની દવા ખરીદતા લોકો છે તો બીજી તરફ મેડિકલ સ્ટોર્સના કાઉન્ટર પર આસાનીથી ખરીદી શકાય એવી ગુણવત્તા વિહોણી પેરાસિટામોલ જેવી દવાઓ છે. આરોગ્ય ક્ષેત્રે લોકો જોખમ પર સવારી કરી રહ્યા છે. પોતાની મેળેજ દવા લેવી કે તે સંદર્ભે કોઈને સલાહ આપવી બંને બાબતથી દુર રહેવું જરૂરી છે. મેડિકલ જગતે સેલ્ફ મેડિકામેન્ટ સામે ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે.