( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સરખેજ તરફથી આવતા વાહનો ના કારણે વાસણા- પાલડી અને નારોલ તરફના રોડ પર ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે.
આ ઉપરાંત મકતમપુરા વોર્ડમાં વરસાદી પાણી ના નિકાલ, મ્યુનિ. સ્કૂલ અને અન્ય પ્રાથમિક સુવિધા ના કામો માટે મકતમપુરા વોર્ડના કોંગી કોર્પોરેટરે કમિશનર ને પત્ર લખી તાકિદે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
મકતમપુરા વોર્ડના કોર્પોરેટર હાજીભાઈ સિમેન્ટ વાળા એ તેમના વોર્ડની સમસ્યા અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની સાબરમતી નદીની બનેં બાજુ રીવરફ્રન્ટ બનાવેલ છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા મહદાંશે ઓછી થઇ છે.
હાલ પૂર્વ સાઇડનો રીવરફ્રન્ટ વાસણા બેરેજ સુધી બનાવેલ છે જો તે રીવરફ્રન્ટ શાસ્ત્રી બ્રિજ સુધી લંબાવવામાં આવે તો શહેર બહારથી આવતો અને એરપોર્ટ તરફ જનારો ટ્રાફિક શહેરમાં પ્રવેશ કર્યા વગર બારોબાર જઈ શકે આ ઉપરાંત નારોલ તરફથી આવતો ટ્રાફિકને કારણે થતી ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા પૂર્વ સાઈડનો રીવરફ્રન્ટની કામગીરી કબીર ફાર્મ નારોલ હાઇવે સુધી લંબાવવામાં આવે તે પણ આવશ્યક છે.
આ ઉપરાંત મકતમપુરા વોર્ડમાં હાલ મક્તમપુરા પ્રા શાળા નં ૧ ચાલે છે મક્તમપુરા વોર્ડ ખુબજ મોટો વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં બાળકો છે મ્યુ. શાળામાં હાલ ૩૦ રૂમ છે અને ૧૦૦૦ બાળકોની કેપેસીટી છે તેમાં હાલ ૧૩૦૦ બાળકો અભ્યાસ કરે છે જેમાં ૩ થી ૪ કિ.મી. સુધી સરકારી એક પણ શાળા નથી જેને કારણે આજુબાજુમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને એડમીશન માટે ખુબજ તફલીફ પડે છે તેમજ ગ્યાસપુર ભાટા પ્રા. શા નં ૧ છે તેમાં પણ વધુ ગ્યાસપુર ભાટા પ્રા. શા નં ૨ ચાલુ કરી બનેં શાળાના અલગ અલગ પ્રિન્સીપાલ તથા વધુ વ્યવસ્થા તંત્ર મળવાથી વધુ બાળકોનો સમાવેશ કરી શકાય હાલ વાલીઓ બાળકોના એડમીશનની વિકટ સમસ્યા બાબતે હેરાન પરેશાન થઇ રહ્યાં છે જેથી તેઓની પરેશાની દુર થાય અને વધુ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ગ્યાસપુર ભાટા પ્રા. શા નં ૧ તેમજ મક્તમપુરા પ્રા શાળા નં ૧ માં બપોરની વધુ એક શાળા ગ્યાસપુર ભાટા પ્રા. શા નં ૨ તેમજ મક્તમપુરા પ્રા શાળા નં ૨ તાકીદે ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.
જીવરાજપાર્ક-વેજલપુર ઉંચાણ વાળો વિસ્તાર છે. વેજલપુર અને મક્તમપુરા વોર્ડમાંથી નદીમાં જતી સ્ટ્રોમ વોટર લાઈન મક્તમપુરા વોર્ડમાંથી પસાર થાય છે જેથી જ્યાં સુધી વેજલપુર વોર્ડના પાણીનો નિકાલ ના થાય ત્યાં સુધી પાણી ભરાઈ રહેવા પામે છે જેથી મકતમપુરા વોર્ડના વિસ્તારમાં લોકોના ઘરોમાં ૪ થી ૫ ફુટ પાણી ભરાઇ ગયાં હતાં લોકોની ધરવખરી તથા ફનિર્ચરને નુકશાન મોટા પ્રમાણમાં થાય છે મેઈન ચેમ્બરો કાપ અને માટીથી રબડી બની મુખ્ય ડ્રેનેજ લાઈનો જામ થઈ ગઈ છે હાલ પણ યથાવત પરિસ્થિતિ હોઇ જેથી યુધ્ધનાં ધોરણે હાલ જેટીંગ, સુપર સકર તથા રોડીંગ મશીન દ્વારા ડ્રેનેજ લાઈન સફાઈ ઝુંબેશ તથા કેચપીટોની સફાઈ કરી સમગ્ર લાઇન તમામ કેચપીટો તાકીદે સફાઈ કરવા તેમજ આ સમસ્યાનો કાયમી તાકીદે ઉકેલ લાવવા નવી ડક્ટ લાઇનો નાખવી આવશ્યક બની છે.