Western Times News

Gujarati News

નારોલ જંકશન પરથી પ્રતિબંધિત સમયમાં બેરોકટોક પસાર થતા ભારે વાહનો

હાઇકોર્ટે ની લાલ આંખ છતાં જંકશન ની ચોતરફ શટલરીક્ષા ચાલકોનો અડ્ડો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,
અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા અંગે ગુજરાત હાઇકોર્ટે ઘ્વારા પણ ખાસ નોંધ લેવામાં આવી છે. તેમજ પોલીસ વિભાગ અને વાહન ચાલકો માટે વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ પણ લકઝરી બસોના પ્રવેશ માટે કરવામાં આવેલી યાચિકા ફગાવી દીધી છે તેથી હવે, લકઝરી બસો સહિત અન્ય ભારે વાહનો પ્રતિબંધિત સમય દરમ્યાન શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં.પરંતુ શહેર ટ્રાફિક પોલીસની કામગીરી હાઇકોર્ટે અને સુપ્રીમકોર્ટ ના આદેશ-માર્ગદર્શન “શેઠ ની શિખામણ” ઝાંપા સુધી કહેવત ની યાદ અપાવી જાય છે. શહેરમાં પ્રતિબંધિત સમય દરમ્યાન બેરોકટોક ભારે વાહનો પ્રવેશ કરી રહ્યા છે. ખાસ કરીને, નારોલ ટ્રાફિક જંકશન ભારે વાહનચાલકો અને ટ્રાફિક સ્ટાફ માટે સ્વર્ગ સમાન હોવાની પણ ચર્ચા ચાલે છે.

અમદાવાદ શહેરના નારોલ જંકશન પર ટ્રાફિક વિભાગના તમામ નિયમો અભરાઈએ મૂકવામાં આવ્યા હોય તેવો માહોલ લગભગ હંમેશા જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે ઘ્વારા શટલ રીક્ષા અને પાર્કિંગ અંગે કરવામાં આવેલા સુચનોનો કોઈ જ અમલ થતો નથી.

આ જંકશન ની ફરતે 100 કરતા વધુ શટલ રીક્ષા કાયમી ધોરણે જોવા મળે છે. તેમાં પણ પીક અપ અવર્સ દરમ્યાન શટલ ચાલકો રીતસર રોડ પર કબજો જમાવે છે જેને કારણે ખાનગી વાહન ચાલકોની ખરા અર્થમાં પરીક્ષા થાય છે.

ખાસ કરીને, નારોલ થી અસલાલી તરફ જવાના ટર્નિંગ પર પરિસ્થિતિ અત્યંત કફોડી જોવા મળે છે.અહીં શટલ રીક્ષા ચાલકો પેસેન્જર માટે રોડ પર જ ગોળ-ગોળ ફરતા હોય છે તેથી ખાનગી વાહન ચાલકે તેમનું વાહન સલામત રીતે કેવી રીતે લઈ જવું તે યક્ષ પ્રશ્ન છે.

આ ઉપરાંત કોઈપણ જંકશન થી 100 મીટર ત્રિજ્યામાં વાહન પાર્કિંગ કે અન્ય દબાણ ન હોવા જોઇએ તેવા નિયમ ના અહીં ચીંથરા ઉડી રહયા છે. નારોલ જંકશન ની ચોતરફ રીક્ષા પાર્કિંગ ના દબાણ જોવા મળી શકે છે.

શહેર પોલીસ કમિશનર  ઘ્વારા ભારે વાહનો માટે સવારે 8 થી રાત્રીના 10 સુધી શહેરમાં પ્રવેશ માટે પ્રતિબંધ જાહેર કર્યો છે . પરંતુ નારોલ ટ્રાફિક વિભાગ સુધી આ નિયમ હજી સુધી પહોંચ્યો હોય તેમ લાગી રહ્યુ નથી.

નારોલ જંકશન પરથી ગમે તે સમયે, ગમે તે વાહન આરામ થી પસાર થઈ શકે છે જેના માટે માત્ર ફરજ પર હાજર કર્મચારીઓને જ સાચવવાની જરૂર હોય છે. આ જ કારણોસર  હાજર ટી.આર.બી. કર્મચારીઓ જંકશન ના તમામ ખૂણે ઉભા રહી ટ્રાફિક નિયમન કરવાના બદલે માત્ર અસલાલી તરફથી આવતા ભારે વાહનોને પકડી ઉભા રાખવામાં વધુ ધ્યાન આપી રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહયા છે.

નારોલ સર્કલ થી લાંભા સુધી ખૂબ જ મોટી સંખ્યામાં રહેણાંક મકાનો બની ગયા છે અને હાલ બની પણ રહયા છે.આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં પરિવારો વસવાટ કરે છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત તેમજ ધંધાદારી વર્ગ નાના મોટા વાહનો લઈ નારોલ સર્કલ પર થી પસાર થાય છે ત્યારે તેમના પરિવાર જનોના મનમાં એક જ ચિંતા હોય છે  જે ” હેમખેમ ઘરે પાછા તો આવશે ને?”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.