રાજ્યના ત્રીજા નંબરનો કડાણા ડેમ ઓવરફ્લોઃ ૫ જિલ્લાના ૨૩૫ ગામોને એલર્ટ કરાયા
મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે.-વડોદરા જિલ્લાના ૪૯ ગામ, આણંદ જિલ્લાના ૨૬, ગામ ખેડા જિલ્લાના ૩૨ ગામ, પંચમહાલ જિલ્લાના ૧૮ અને મહિસાગર જિલ્લાના ૧૧૦ મળી કુલ ૨૩૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
(પ્રતિનિધિ) ગોધરા, રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પાંચ જિલ્લાના ૨૩૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમ ઓવરફ્લો થતાં હાલ ડેમનાં ૧૦ ગેટ ૩ ફૂટ ખોલી ૭૫ હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે.
મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસતા કડાણા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેના પગલે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના ૧૦ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલીને ૭૫ હજાર ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ૧ લાખ ૨૬ હજાર ૬૯૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
તેની સાથે ડેમનું લેવલ ૪૧૮.૭ ફૂટે પહોંચ્યું છે જ્યારે ડેમનો કુલ લેવલ ૪૧૯ ફૂટ છે. કડાણા ડેમમાં હાલમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇ આગામી સમયમાં તબક્કાવાર ૧ લાખ ક્યુસેક પાણી ફરીથી મહીસાગર નદીમાં છોડવામાં આવશે.કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી બંને કાંઠે વહી રહી છે અને મહીએ સાગર જેવું રૂપ ધારણ કર્યું હોય તેવા દૃશ્યો સર્જાયા છે.
ત્યારે કાંઠા વિસ્તારના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા જિલ્લાના ૪૯ ગામ, આણંદ જિલ્લાના ૨૬, ગામ ખેડા જિલ્લાના ૩૨ ગામ, પંચમહાલ જિલ્લાના ૧૮ અને મહિસાગર જિલ્લાના ૧૧૦ મળી કુલ ૨૩૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ નદી કાંઠે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.કડાણા ડેમ રાજ્યનો ત્રીજા નંબરનો ડેમ છે જે રાજ્યના જિલ્લાઓ માટે ખૂબ મહત્વનો છે.
કડાણા ડેમ મહિસાગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય ૮ જિલ્લાઓને પાણી પહોંચાડે છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, દાહોદ વગેરેને કડાણા ડેમથી પાણી પૂરુ પાડવામાં આવે છે.