શું BJPના કાર્યકર્તાઓએ બોર્ડ-કોર્પોરેશનમાં નિમણૂંક ભૂલી જવાની છે?
ભા.જ.પ.ના એક પ્રખર કાર્યકર્તા આમ તો લો પ્રોફાઈલ છે પરંતુ પોતાના ધંધાને ઉપયોગી થાય તેવા એક બોર્ડમાં ગોઠવાવા માટે તેમણે પ્રયત્ન કર્યો.સરકારી પ્રક્રિયા જેવી કે દરખાસ્ત,પક્ષ તેમજ મંત્રી કક્ષાએથી મંજૂરી વગેરે વિધિ તેઓએ પૂરી કરાવી અને પછી એ ફાઈલ આખરી મંજૂરી માટે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી.એ વાતને લગભગ ૩ માસ જેટલો સમય પસાર થઈ ગયો.એ ફાઈલ મંજૂર થઈ કે નામંજૂર થઈ તેનાં કોઈ સમાચાર જ ન આવ્યા!
આ અંગે નિવૃત્ત થઈને સરકારમાં ગોઠવાયેલાં એક અધિકારીને પૂછ્યું કે આવું કેમ થાય છે? તો તેઓએ જણાવ્યું કે બોર્ડ-કોર્પોરેશનની નિમણૂંકની બાબત હવે ખૂબ સંવેદનશીલ બની ગઇ છે.એટલે એને અડવાની જ મનાઇ ફરમાવવામાં આવી છે.
સ્થાનિક નેતાગીરીને કોઈ એકલદોકલ કેસ પ્રત્યે પક્ષપાત કે સહાનુભૂતિ હોય તો પણ એ નિમણૂંક કરવા માટે ‘નેવાંના પાણી મોભે ચડાવવા પડે’ એવી સ્થિતિ છે.વળી, સર્વોચ્ચ કક્ષાએ પૂછવાની પણ મનાઇ છે!
કહેવાય એટલું જ કરવાની સૂચના છે! આટલું સાંભળીને સામે પૂછ્યું કે તો શું ભા.જ.પ.ના કાર્યકર્તાઓએ બોર્ડ કોર્પોરેશનમાં નિમણૂંક ભૂલી જવાની છે?એ અધિકારી એ ખંધું હસતા હસતા કહ્યું કે તમે બધું સમજો જ છો છતાં મારા પાસે બોલાવવા માંગો છો એટલે મારો જવાબ છે ‘નો કોમેન્ટ.’
ગુજરાત રાજ્યના હવે પછીનાં ચીફ સેક્રેટરી કોણ હશે?
ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરી – ૨૦૨૫મા નિવૃત થશે.તેઓ સરકારના પ્રીતિપાત્ર ઓફિસર છે એટલે કદાચ તેમને એક્સ્ટેન્શન પણ મળે.જો એવું ન થાય તો તેમની પછી સિનિયોરીટીના ક્રમમાં ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ.અધિકારી પંકજ જોષી આવે છે.
જો આ સિનિયોરીટી સ્વીકારાય તો ફેબ્રુઆરી-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી પંકજ જોષી ગુજરાતનાં ચીફ સેક્રેટરી હશે.
એ પછીના સિનિયોરિટીના ક્રમમાં ૧૯૮૯ની બેચના કે.શ્રીનિવાસ આવે છે.એ વખતે પણ સિનિયોરીટીનો ક્રમ જાળવીને જ નિમણૂંક કરવામાં આવશે તો ઓક્ટોબર -૨૦૨૫થી જુલાઈ -૨૦૨૭ સુધી કે.શ્રીનિવાસન ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ હશે.
જો આમ થશે તો ગુજરાતને આગામી બે મુખ્ય સચિવો પણ ખૂબ સરસ મળશે એમ કહી શકાય.આ ઉપરાંત એક ઐતિહાસિક ઘટના એ બનશે કે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પદે બે વેવાઈઓ વારાફરતી બિરાજમાન થશે.
એક કરોડ રૂપિયા આપીને સરકારી નોકરીમાં પરત ફરી શકાય?
જરાય સાચું માનવાનું મન ન થાય એવાં એક સમાચાર સચિવાલયમાં થતી ચર્ચામાંથી એ આવ્યાં છે કે એક સરકારી અધિકારી લાંચના કેસમાં સસ્પેન્ડ થયા, જેલમાં પણ જઈ આવ્યા ને પછી કાળક્રમે જામીન પર પણ છુટી પણ ગયા.
આ અધિકારીને પોતાની જગ્યાએ પૂનઃ સ્થાપિત થવું હતું તેથી તેમણે પોતાના ડિપાર્ટમેન્ટના સક્ષમ અધિકારીને વિનંતી કરી કે મને પૂનઃ નોકરી પર લઈ લો તો હું આપને એક કરોડ રૂપિયા આપીશ.
જે તે સક્ષમ અધિકારી પ્રમાણિક હતાં એટલે તેમણે ઘસીને ના પાડી દીધી.એટલે સદરહુ અધિકારી સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યા ને ત્યાં પણ એક કરોડ કરતાં વધારે રકમની ઓફર કરી! સર્વોચ્ચ સત્તાધીશને કેસમાં રસ પડ્યો એટલે તેઓએ પેલા સક્ષમ અને પ્રમાણિક અધિકારીને બોલાવ્યા તો પ્રમાણિક અધિકારી પેલાં લાંચ કેસમાં સંડોવાયેલા અધિકારીના કાળાં કામની મોટી ફાઈલ લઈને ગયા એ જોઈને સર્વોચ્ચ સત્તાધારી મોળાં પડી ગયા અને કામ પેન્ડીગ રાખ્યું.
આ પછી એવું બન્યું કે પેલા પ્રમાણિક અધિકારી પોતાના પદ પરથી નિવૃત થઈ ગયા અને તેમની જગ્યાએ નવાં અધિકારી આવ્યાં કે તરતજ પેલા લાંચ કેસમાં સંડોવાયેલા અધિકારીનું કામ થઈ ગયું અને તેમને ડિપાર્ટમેન્ટમાં નિમણૂંક અપાઈ પણ ગઈ. અહીં પૈસો ‘મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ’ એ કહેવત યાદ આવે હોં!
સરકારી યોજનાના પ્રચાર માટેનાં નાટકમાં નાટક થઈ ગયું!
સરકારમાં કોઈકવાર ‘કરવા જાય કંસાર અને થઈ જાય થુલી’ જવો ઘાટ થતો હોય છે! તાજેતરમાં જ એક ઘટના એવી બની.થયું એવું કે રાજ્ય સરકારનાં એક ખાતાએ એક નાટ્ય મંડળીને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રચાર માટે એક નાટક ભજવવાનું જણાવ્યું.સ્થળ તરીકે એક ગામ પણ ફાળવી દીધું ને ગામના સરપંચનો સંપર્ક સાધવાની સૂચના નાટ્ય મંડળીને આપી.
નાટ્ય મંડળીનાં મોભીએ ગામના સરપંચનો સંપર્ક સાધ્યો તો સરપંચે સ્પષ્ટ જણાવ્યું કે આ વિષયનું નાટક લઈને ગામમાં પેસતાં જ નહીં.ગામના લોકો ૨-૩ વર્ષથી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના ફોર્મ માંગે છે પણ મળતાં જ નથી! તમે નાટક કરશો તો ગામવાસીઓ દેકારો કરશે.નાટ્ય મંડળીનાં સંચાલક સરપંચ પાસે પહોંચ્યા ને જો ગામમાં નાટક નહીં થાય તો ગ્રાન્ટ નહીં મળે ને કલાકારો નિરાશ થશે વગેરે બધું સમજાવ્યું.
એટલે સરપંચે રસ્તો કાઢી દીધો કે ગામની સ્કૂલમાં નાટક કરો,હું થોડાં ઘરડા લોકોને મોકલીશ.તમે ફોટા પાડી લેજો ને પુરાવા તરીકે મુકી દેજો.આમ જે તે મંડળીએ સરકારની યોજનાના પ્રચારનું નાટક માંડમાંડ ભજવી પોતાના પર આવેલી જવાબદારી જેમ તેમ પૂરી કરી.પણ સમાજકલ્યાણલક્ષી સરકારી યોજનામાં પણ કેવી પોલંપોલ ચાલે છે એ તો છતું થઈ જ ગયું!
છોટાઉદેપુરના સંસદ સભ્ય જશુભાઇ રાઠવાની કલેકટરને ગંભીર ફરીયાદ
છોટાઉદેપુરના સંસદ સભ્ય જશુભાઇ રાઠવાએ જિલ્લાનાં કલેકટરને તા.૧૦/૦૯/૨૪ના રોજ એક પત્ર લખીને ફરિયાદ કરી છે કે ‘જિલ્લાના અધિકારીઓ મારાં પ્રશ્નનાં જવાબ સમયસર આપતા નથી અને જે આપે છે એમાં માહિતી અધુરી હોય છે!’
વધું જશુભાઇ રાઠવા લખે છે કે ‘જિલ્લાની સંકલન સમિતિ હોય તેનાં એક દિવસ અગાઉ મને બેઠકનું બધું સાહિત્ય આપવામાં આવે છે એટલે હું તેનો અભ્યાસ પણ નથી કરી શકતો!’ અહીં એ પણ નોંધવું રહ્યું કે રાઠવા ભા.જ.પ.ના સંસદ સભ્ય છે અને સત્તાધારી પક્ષના સાંસદની આ સ્થિતિ હોય તો સામાન્ય અને ગરીબ નાગરિકોની તો શું સ્થિતિ હશે તે કલ્પવુ જ રહ્યું ને?