Western Times News

Gujarati News

અમેરિકામાં પૂજારીની નોકરીની લાલચે સિદ્ધપુરના યુવકોએ 15 લાખ ગુમાવ્યા

સિદ્ધપુર પોલીસ મથકે અમદાવાદના શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

સિદ્ધપુર, સિદ્ધપુરના પાંચ બ્રાહ્મણ યુવકોને અમેરિકામાં ટ્રસ્ટના મંદિરમાં પૂજારી તરીકે નોકરી મેળવી માસિક પ૦૦૦ ડોલર કમાવવાની લાલચમાં કુલ રૂ.૧પ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. સિદ્ધપુર પોલીસ મથકે અમદાવાદના શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

સિદ્ધપુરના હરસિદ્ધિ માતાજીના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા નિખિલભાઈ હરેશચંદ્ર ઠાકરે ફરિયાદ નોંધાવી છે કે, તેમના મંદિરમાં દર પૂનમે અમદાવાદના શૈલેષભાઈ ગિરીશચંદ્ર ત્રિવેદી દર્શન કરવા આવતા હોઈ તેમની સાથે પરિચય થયો હતો. શૈલેષ ત્રિવેદીએ અમેરિકાના શિકાગો અને એટલાન્ટામાં મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરવી હોય તો છ થી આઠ યુવકોની જરૂરિયાત હોવાની વાત કરી હતી.

પૂજારી તરીકે નોકરીના બદલામાં પ,૦૦૦ ડોલર માસિક પગાર અને રહેવા જમવાની સુવિધા તેમજ આરોગ્ય સેવાઓ અને વીમાની પણ સુવિધા મળવાની લાલચ આપી હતી. નિખિલભાઈ ઠાકર અને તેમના અન્ય ચાર મિત્રો મળી કુલ પાંચ યુવકો આ શૈલેષ ત્રિવેદીએ આપેલી લાલચમાં આવી ગયા હતા. જે માટે પાંચેય યુવકોએ પ્રતિ વ્યક્તિ દીઠ રૂ.૩ લાખ શૈલેષ ત્રિવેદીને આપ્યા હતા.

પરંતુ ઘણો સમય વિતવા છતાં અમેરિકાના વિઝા કે સ્પોન્સર લેટર ન આવતાં આખરે યુવકોઅને તેઓ પોતે છેતરાયા હોવાનું જણાતાં સિદ્ધપુર પોલીસ મથકમં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે શૈલેષભાઈ ગીરીચંદ્ર નાથાલાલ ત્રિવેદી (રહે. ૬૯૮, કોઠારી પોળ, ગાંધી રોડ, અમદાવાદ) સામે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી લીધો હોવાનું સિદ્ધપુર પીઆઈ જે.બી.આચાર્યએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.