વ્યાજખોરે વેપારી પાસેથી કાર પણ પડાવી લીધી: 4 સામે ફરિયાદ
મહેસાણામાં ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા ૪ સામે ફરિયાદ
મહેસાણા, મહેસાણામાં આર્થિક સંકળામણ દૂર કરવા આપેલા નાણાંનું ઉચું વ્યાજ વસુલવા પઠાણી ઉઘરાણી કરી કોરા ચેક અને કાર પડાવનાર મિત્રો સહિત ચાર સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. છેલ્લા કેટલાય સમયથી નાણાં ચુકવવામાં અસમર્થ વેપારીને સોસાયટીમાં આવી બદનામ કરવાની ધમકી આપનાર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના રાધનપુર રોડ સ્થિત કલાપીનગરની પાછળ આવેલી શાયોનાપથ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને હાલ પાંચોટ બાયપાસ નજીક બાવનના નેળિયા પાસેના સાકેત કોમ્પલેક્ષમાં પાન પાર્લર ચલાવતા મનિષ્કુમાર કાંતિલાલ પટેલ (મુળ વતન પાંચોટ)એ છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન આર્થિક સંકળામણના લીધે તબક્કાવાર ચાર જેટલા મીત્રો તેમજ પરિચિતો પાસેથી વ્યાજે હાથ ઉછીના નાણાં લીધાં હતાં.
જેમાં પીયુષ કનુભાઈ પટેલ (પાંચોટ) પાસેથી રૂ.૪.પ૦ લાખ, કિરણ રમેશભાઈ પટેલ (પાંચોટ) પાસેથી રૂ.ર૦ હજાર, તેજસ પશાભાઈ પટેલ (પાંચોટ) પાસેથી રૂ.એક લાખ તેમજ તેમની શાયોનાપથ સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પટેલ પાસેથી રૂ.દોઢ લાખ લીધા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ મનિષકુમારે ચારેય લોકોને મુડી સહિત વ્યવહારિક નાણાં ચુકવી દીધા હતા.
આમ છતાં ચારેય લોકો તેને સોસાયટીમાં આવી જાહેરમાં બદનામ કરવાની ધમકી આપી વ્યાજ પેટે સહી કરેલા કોરા ચેક લઈ લીધા હતા. જયારે પીયુષ પટેલે વ્યાજ પેટે મનિષ પટેલની કાર પણ પડાવી લીધી હતી. ઉપરોકત ચારેય શખ્સોની પઠાણી ઉઘરાણીથી કંટાળી મનિષ પટેલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.