Western Times News

Gujarati News

હરાજી વિના પ્લોટ ફાળવણી કરતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિપત્રનું ઉલ્લંઘન કરી નવરાત્રિના આયોજન માટે પ્લોટ કે ગ્રાઉન્ડની હરાજી કર્યા સિવાય જ પ્લોટની ફાળવણી કરી દેવાનો વિવાદ હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. આ કેસની સુનાવણી આજે હાઇકોર્ટ સમક્ષ નીકળે એવી શક્યતા છે.

આ સમગ્ર મામલે મેસર્સ સરકાર ઇવેન્ટ્‌સ એન્ડ હોસ્પિટાલિટી સર્વિસિસના પાર્ટનર આકાશ પી. સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરાઈ છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે ૨૮-૧૦-૨૦૨૨ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને એ મુજબ નવરાત્રિના આયોજન માટે ગ્રાઉન્ડ કે પ્લોટ હરાજીના મારફતે ફાળવવાનું ઠરાવવામાં આવ્યું હતું.

અરજદાર દ્વારા મણિનગર વિસ્તારમાં આવેલા ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ ગ્રાઉન્ડ(એસજી ગ્રાઉન્ડ) ખાતે નવરાત્રિનું આયોજન કરવાની મંજૂરી મેળવવા અરજી કરવામાં આવી હતી. તે ઉપરાંત જૂનમાં પણ આવા જ આયોજન માટે કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ફાળવવા અરજી કરવામાં આવી હતી.

આ અરજી નવરાત્રિ શરૂ થાય એના મહિનાઓ પહેલા કરવામાં આવી હોવા છતાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મણિનગર મણિયારો અને સ્કાય ઇવેન્ટ્‌સને નવરાત્રિના આયોજન માટે પ્લોટ્‌સની ફાળવણી કોઇ પણ પ્રકારની હરાજી કર્યા વિના કરી હતી. જે અંગે ૧૧-૦૭-૨૦૨૪ અને ૨૭-૦૬-૨૦૨૪ના રોજ ઠરાવ કરાયા હતા.

આ અંગે અરજદાર કંપની દ્વારા કોર્પોરેશનને પણ ધ્યાન દોરાયું હતું. તેમ છતાંય કોર્પોરેશન દ્વારા કોઇ પણ પ્રકારની હરાજી કે એવી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવાનું પસંદ કર્યું નહોતું. જો કોર્પોરેશન દ્વારા હરાજી મારફતે પ્લોટની ફાળવણી કરવામાં આવી હોત તો કોર્પોરેશનને વધુ આવક થઇ શકી હોત.

તેમ છતાંય કોર્પોરેશને પોતાના જ પરિપત્રનો ભંગ કરી હરાજી કરવાનું ટાળ્યું હતું. તેથી કોર્પોરેશનનું આ વર્તન અરજદાર સાથે પૂર્વાગ્રહ ભરેલું તો છે જ પરંતુ જાહેર નાણાંને નુકસાન પહોંચાડનારું પણ છે. તેથી અરજદાર જોડે હાઇકોર્ટ સમક્ષ રિટ કરવા સિવાયનો કોઇ વિકલ્પ નહીં બચતાં રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી છે.

અરજદારે રિટમાં એવી દાદ માગી છે કે બંને પ્રતિવાદીઓને કોઇ પણ પ્રકારની કાયદેસરની પ્રક્રિયાનો અમલ કર્યા સિવાય કરવામાં આવેલી પ્લોટની ફાળવણી રદ કરવામાં આવે. કોર્પોરેશનને આદેશ કરવામાં આવે કે તેઓ પોતાના પરિપત્રને અન્વયે હરાજી કરીને પ્લોટની ફાળવણી નવરાત્રી માટે કરે. બંને કંપનીઓને પ્લોટ કે ગ્રાઉન્ડ આપવા માટેના ઠરાવ પર વચગાળાનો સ્ટે પણ આપવામાં આવે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.