ઓસ્ટ્રેલિયાના યુવકને ટોર્ચર કરતો વીડિયો કોલ કરી પિતા પાસેથી રૂ. ૫ લાખ પડાવ્યા
અમદાવાદ, થલતેજમાં રહેતા પરિવારનો પુત્ર સ્મિત ઓસ્ટ્રેલિયામાં રહે છે. થોડા સમય પહેલાં અમદાવાદના માથાભારે તત્ત્વો ઋષિ પટેલ અને વિશાલ રબારી તે પરિવારના ઘરે પહોંચી ગયા હતા.
તેમણે ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્મિત પટેલ પાસેથી ૫૦ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર લેવાના હોઇ મહેન્દ્રભાઇ પટેલ પાસે ઉઘરાણી કરી હતી. મહેન્દ્રભાઇએ કોલ કરતાં સ્મિતે કોઇ જ રૂપિયા આપવાના નથી તેમ કહ્યું હતું.
આખરે ધમકી આપીને ગયેલા ઋષિ અને વિશાલે ઓસ્ટ્રેલિયામાં સ્મિત પર હુમલો કરાવ્યો હતો. તેનો વીડિયો કોલ કરાવી મહેન્દ્રભાઇ પાસેથી પૈસા પડાવ્યા હતા. મૂળ મહેસાણાના અને થલતેજમાં રહેતા મહેન્દ્રભાઇ પટેલ (૫૯) ગામમાં ખેતીકામ કરે છે.
તેમનો પુત્ર સ્મિત ઓસ્ટ્રેલિયામાં રહે છે. દોઢ મહિના અગાઉ અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો કે તારા પુત્ર પાસેથી મારે ૫૦ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર લેવાના છે. મહેન્દ્રભાઇએ ‘હું કંઇ જાણતો નથી…’ કહેતા ફોન કરનારે ગાળો બોલી ફોન કાપી નાખ્યો હતો.
થોડીવારમાં બે યુવાનો મહેન્દ્રભાઇના ઘરે આવ્યા હતા અને પોતાની ઓળખ ઋષિ પટેલ અને વિશાલ દેસાઇ હોવા સાથે તેમને જ ફોન કર્યો હોવાનું જણાવ્યું હતું.
ઉઘરાણી બાબતે મહેન્દ્રભાઇએ પુત્રને ફોન કરીને પૂછતા સ્મિતે કોઇ રૂપિયા લીધા ન હોવાનું કહ્યું હતું. તેને નહીં પરંતુ તેના મિત્ર અજય સાથે ઋષિએ વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. જો તમે રૂપિયા નહીં આપો તો ઓસ્ટ્રેલિયામાં તમારા પુત્રના હાથપગ તોડાવી નાખીશ તેવી ધમકી આપીને ઋષિ જતો રહ્યો હતો.
ગત ૨૪ સપ્ટેમ્બરે પુત્ર સ્મિતનો વીડિયો કોલ આવ્યો હતો. તેમાં કેટલાક શખ્સો પાઇપ અને હોકીથી તેને માર મારી રહ્યા હતા અને રૂપિયાની માગણી કરતા હતા. પુત્ર સ્મિતે પણ પિતાને રડતા રડતા આ લોકો મને મારી નાખશે તેમ કહ્યું હતું. બાદમાં રાત્રે ઋષિ, વિશાલ અને ઇશ્વર મહેન્દ્રભાઇના ઘરે જઇને ધમકી આપીને ૫ લાખ રકમ ભરી ચાર ચેકમાં બળજબરીથી સહીઓ કરાવી જતા રહ્યા હતા.
પોલીસ ફરિયાદ કરીશ તો પત્ની, પુત્રીને ઉપાડી જઇશું અને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. મહેન્દ્રભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.SS1MS