Western Times News

Gujarati News

આજે ગાંધી જયંતિઃ પોરબંદર અમદાવાદ સહિત સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં દરિયાકિનારે સફાઈ અભિયાન હાથ ધરાશે

(પ્રતિનિધિ)અમદાવાદ,  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની બુધવારે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સર્વધર્મ સંભાવની ભાવના સાથે ઉજવણી કરવામાં આવશે. અમદાવાદના સુપ્રસિદ્ધ ગાંધીઆશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ગાંધીવાદી ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત અમદાવાદમાં કોચરબ આશ્રમમાં પણ ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે કીર્તિ મંદિરમાં પણ પ્રાર્થના સભા યોજાશે. આ ઉપરાંત રાજ્યભરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. સામાજિક અને રાજકીય આગેવાનો ગાંધીજીની પ્રતિમાને પૃષ્પાંજલિ અર્પણ કરીને અહીંસાના પૂજારી મહાત્મા ગાંધીને વંદન કરશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે આવનાર છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈને પોરબંદર ખાતે દરિયાકિનારા ખાતે સફાઈ અભિયાનમાં સવારે ૬ વાગ્યે ભાગ લેશે.

ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સવારે ૮ વાગ્યે કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે તથા પ્રાર્થના સભામાં ભાગ લેશે. કિર્તીમંદિર બાદ સુદામા ચોક ખાતે સવારે ૦૯ વાગ્યે શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લઇ સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપશે. સવારે ૦૯ઃ૩૦ વાગ્યે બિરલા હોલ, પોરબંદર ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી આપશે.

સવારે ૧૧ વાગ્યે મંત્રી મનસુખભાઇ માંડવિયા ખાદીભંડાર ખાતે મુલાકાત લેશે અને ખાદીની ખરીદી કરશે. ત્યાંથી કમલાબાગ ખાતે નવી વ્યાયામશાળાનું લોકાર્પણ કર્યા બાદ કમલાબાગ ખાતે આવેલ નવીન ઈ-પોલીસચોકીની મુલાકાત લેશે.બપોરે ૨ વાગ્યે કુતિયાણા ખાતે આવેલ ખાગેશ્રી ગામમાં નવીન પી.એચ.સી.નું લોકાર્પણ અને ગ્રામસભાને સંબોધન કરશે અને બ્લડ ડોનેશન કેમ્પ ખાતે હાજરી આપશે.

રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે ૨ જી ઓક્ટોબરના રોજ સવારે ૦૯ઃ૦૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જીલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝીયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.