Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન આર્બીટ્રેશનની પ્રક્રિયા બંધ કરશે

હારી ગયેલા કેસો મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવશેઃ પ્રકાશ ગુર્જર

(પ્રતિનિધિ)અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ, પાણી, ગટર સહિતના કામોમાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોન્ટ્રાક્ટમાં થયેલા વિવાદમાં આર્બીટ્રેશન (લવાદ)માં કેસ કરવામાં આવે છે.

જેમાં કોન્ટ્રાક્ટરોની તરફેણમાં જ ચુકાદો આવતો હોય છે. તેથી આર્બીટ્રેશનની પ્રક્રિયાને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી દૂર કરવામાં આવી છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે થતા કોઈપણ વિવાદને હવે સીધો કોર્ટમાં કેસ ચલાવવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ આર્બીટ્રેશનના હારી ગયેલા તમામ કેસો અંગેની વિજિલન્સ તપાસની માંગ લીગલ કમિટીના ચેરમેન દ્વારા કરવામાં આવી છે.

મ્યુનિસિપલ લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર ના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ૬૦ જેટલા કેસો કરવામાં આવ્યા છે.પરંતુ એક પણ કેસમાં કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવ્યા નથી. વકીલ અને આરબીટ્રેટર એમ બંનેને રૂ. ૨.૫૦ કરોડ જેટલી માતબર રકમ ચૂકવી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરની તરફેણમાં ચુકાદો આવ્યા છે. કોર્પોરેશનમાં આર્બીટ્રેશનની જોગવાઈ નથી તેથી હવે આ પ્રક્રિયા દૂર કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ પણ વિવાદ થાય તો સીધો કોર્ટમાં જ કેસ કરવામાં આવશે.જેનાથી આર્બીટ્રેશનમાં જે પણ સમય અને ફી નો ખર્ચો થાય છે તે ઓછો થઈ શકે અને વળતરનો દાવો સીધો કોર્ટમાં કરી શકાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં આ તમામ કેસો કેમ હારી ગયા તેની બેદરકારીને લઈ જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે તે તમામની સામે વિજિલન્સ તપાસની માંગ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. સૌથી વધારે ૫૩ જેટલા વળતર અંગેના દાવા વિવિધ ઝોન અને પ્રોજેક્ટમાં રોડની કામગીરી કરતા કોન્ટ્રાકટર આકાશ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ નામની કંપની દ્વારા કરવામાં આવ્યાં છે.

જેની રૂ. ૮૦ કરોડથી વધુની રકમના ચુકાદા કોન્ટ્રાક્ટરની તરફેણમાં કરાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સૌથી મોટો કેસ રૂ. ૧૩.૭૪ કરોડનો વળતરનો રણજિત બિલ્ડકોન નામની કંપનીએ બ્રિજ પ્રોજેક્ટ માટે કર્યો હતો જેમાં ૧૦.૦૮ કરોડનું વળતર ચૂકવવાનો ચુકાદો આર્બીટ્રેશન દ્વારા આપવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર સાથે ચાલતા આર્બીટ્રેશનના કેસોમાં કોર્પોરેશનની વિરુદ્ધના ચુકાદા થયા હોવાનું સામે આવ્યું હતું. જેની વિગતો મેળવતા ધ્યાને આવ્યું હતું કે રૂ. ૧૪૫ કરોડના દાવાના ૬૦ જેટલા કેસ છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવ્યા છે. જે તમામ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો છે.

૧.૬૫ કરોડ રૂપિયાની ફી આરબીટ્રેટરને ચૂકવવામાં આવી છે જ્યારે ત્યાંથી લાખ રૂપિયાની ફી વકીલોને આપવામાં આવી છે. જો કરોડો રૂપિયાની ફી ચૂકવવામાં આવતી હોય છતાં હારના પરિણામ મળ્યાં છે.ટ્


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.