વાયુસેનાના નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એ.પી.સિંહને કાર્યભાર સોંપતા પહેલા વી.આર.ચૌધરીએ વાયુ ભવનમાં પરંપરાગત ‘વાક થ્રૂ’ કર્યું હતું
અને તે પહેલા તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર દિવંગત વીરોને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ વાયુસેનાના વાયુ યોદ્ધાઓ દ્વારા ચૌધરીને વિદાઈ સલામી રૂપે ઔપચારિક ગાર્ડ આૅફ ઓનર આપવામાં આવ્યું હતું.
૧૯૬૪માં ૨૭મી ઓક્ટોબરે જન્મેલા એર માર્શલ એ.પી.સિંહને ડિસેમ્બર-૧૯૮૪માં ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલર સ્ટ્રીમમાં કમીશન આપવામાં આવ્યું હતું. તેમણે લગભગ ૪૦ વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન અનેક કમાન્ડ, સ્ટાફ, ઈન્સ્ટ્રક્શનલ અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે.
રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી, સંરક્ષણ સેવાઓ સ્ટાફ કોલેજ અને રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના પૂર્વ વિદ્યાર્થી એ.પી.સિંહ એર આૅફિસર, ફ્લાઈટ પ્રશિક્ષક અને પ્રોયાગિક પરીક્ષણ પાયલટ છે. આ ઉપરાંત તેઓ ઘણાં પ્રકારના ફિક્સ્ડ અને રોટરી વિંગ વિમાનો પર ૫૦૦૦ કલાકથી વધુ સમય વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવે છે.
વાયુસેનાના નવા પ્રમુખ અમર પ્રીત સિંહે તાજેતરમાં જ ઈન્ડિયન ફાઇટર જેટ તેજસને ઉડાવીને ન માત્ર સૌને ચોંકાવ્યા હતા, પરંતુ પોતાની ઉંમરના કારણે સૌનું ધ્યાન પણ ખેંચ્યું હતું. જ્યારે તેમણે તેજસ વિમાન ઉડાવ્યું હતું ત્યારે તેમની ઉંમર ૫૯ વર્ષ હતી. પોતાની સેવા માટે પરમ વિશિષ્ઠ સેવા પદક અને અતિ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાઈ ચૂક્યા છે.
પોતાના કરિયર દરમિયાન તેઓ ઓપરેશનલ ફાઇટર સ્ક્વાડ્રન અને ફ્રન્ટલાઇન એર બેઝની કમાન સંભાળી ચૂક્યા છે. પાયલોટ તરીકે તેમણે મોસ્કો, રશિયામાં મિગ-૨૯ અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ રાષ્ટ્રીય ઉડાન પરીક્ષણ કેન્દ્રમાં પરિયોજના નિદેશક પણ હતા. તેમને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની ઉડાન પરીક્ષણનું કામ સોંપાયું હતું.
તેમણે દક્ષિણ પશ્ચિમી વાયુ કમાનમાં વાયુ રક્ષા કમાન્ડર અને પૂર્વી વાયુ કમાનમાં વરિષ્ઠ વાયુ સ્ટાફ અધિકારીના મહત્વના પદો પર પોતાની સેવા આપી છે. વાયુસેના ઉપ-પ્રમુખનો પદભાર સંભાળતા પહેલા તેઓ મધ્ય વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા.