આશ્રમ ચોકડીથી મહુડી તીર્થ માર્ગને ર૦ કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રીટનો બનાવાશે
ભીની માટીથી ઓવરલોડ જતી ટ્રકોના લીધે ડામર માર્ગ વારંવાર તૂટી જાય છે
ગાંધીનગર, આશ્રમ ચોકડીથી મહુડી તિર્થ સુધીના માર્ગની દશા વારંવાર ખરાબ થાય છે જયારે ટ્રાફિકની અવર જવરથી ધમધમતા માર્ગની અવદશાથી વાહનચાલકો પણ તોબા પોકારી ગયા છે.
જયારે આ સ્થિતિને નિવારવા વિભાગ દ્વારા અંદાજિત ૪ કિ.મી.ના માર્ગને સિમેન્ટ કોક્રીંટથી તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્ય યોજના પાછળ અંદાજિત રૂ.ર૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે જયારે કેન્દ્રીય ગૃહમંત્ર તેનું ખાતમુહુર્ત કરે તેવી પણ સંભાવના છે. ભીની રેતી ઓવરલોડ ભરીને દિવસ રાત દોડતા ટ્રકો સહિતના હેવી ટ્રાફિકના કારણે માર્ગ છાશવારે તૂટી જતો હોવાની ફરિયાદો ઉઠે છે.
શહેરની જેમ જિલ્લામાં પણ માર્ગ સુધારણા અને નવીનીકરણના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં વિવિધ માર્ગોને અપગ્રેડ કરવા તૈયારી કરવામાં આવી રહી છે.
ચોમાસા દરમિયાન ખાસ્તાહાલ સ્થિતિમાં આવી જતાં તીર્થસ્થાનને જોડતા માર્ગને સિમેન્ટ કોક્રિટથી તૈયાર કરવા તંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. તહેવારો સહીત આડા દિવસોમાં પણ વાહનો લઈને મહુડી તિર્થ જનારા ભાવિકોની સંખ્યા વિશેષ હોય છે.
આવા સંજોગોમાં ટ્રાફિકની અવર જવર પણ પેચીદી બને છે. જયારે ટ્રાફિકજામની સમસ્યાને નિવારવા અગાઉ ગાંધીનગરથી આશ્રમ ચોકડી સુધી અને ત્યાંથી મહુડી તીર્થ મંદિર સુધીના માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જયારે આ માર્ગ પર ભીની રેતી ભરીને અવર જવર કરતા ટ્રકના લીધે ડામર કાંકરીઓ ઉખડી જવાથી રસ્તો પણ બેહાલ બને છે જેના લીધે ટૂંકાગાળામાં જ માર્ગ તૂટી જતો હોવાનું પણ સ્પષ્ટ બન્યું હતું. ચોમાસામાં તો રોડની સ્થિતિ વધુ ક્ષતિગ્રસ્ત બની જતી હોવાથી હવે આ માર્ગને આરસીસી કરવાના કામને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન સાંસદ અમિતભાઈ શાહની ગાંધીનગર મુલાકાત દરમિયાન તેનું ખાતમુહુર્ત કરવામાં આવે તેવી પણ સંભાવના છે.