આપઘાત કરવા બ્રિજ પરથી છલાંગ લગાવી અને સળિયો પકડી અધવચ્ચે લટકી રહ્યો
કલોલના ડાભી ખોરજ ગામના યુવાનને ફાયર બ્રિગેડે બચાવ્યો
ગાંધીનગર, આર્થિક સંકડામણથી કંટાળીને કલોલના યુવાને ગાંધીનગર સેકટર-૩૦ સર્કલ નજીક સાબરમતીના બ્રિજ પરથી મોતની છલાંગ લાગવી હતી. યુવાને બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી, પરંતુ બ્રિજ અને નદીની વચ્ચે બીમ આવતા હતા, જેના એક સળિયા પર યુવાન લટકી ગયો હતો.
ચિલોડા- ગાંધીનગરના રોડ પર બનેલા આ બનાવના પગલે વાહનચાલકોમાં અને સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું ‘રામ રાખે, તેને કોણ ચાખે’ની ઉક્તિને સાર્થક કરતા થોડા સમયમાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવાનને બચાવી લીધો હતો.
કલોલ તાલુકાના ડાભી ખોરજ ગામના રાઠીવાસમાં રહેતા નિકુલસિંહ ભીખાસિંહ ડાભીના લગ્ન ચારેક વર્ષ અગાઉ દહેગામ ખાતે થયા હતા. આ લગ્નથી નિકુલસિંહને એક સંતાન છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા નિકુલસિંહના પરિવારમાં વૃદ્ધ પિતા, ભાઈ-બહેન પણ છે. સમગ્ર પરિવારના ભરણપોષણની જવાબદારી નિકુલસિંહના માથે હોવાથી આર્થિક સંકડામણ સ્વાભાવિક છે.
રવિવારે નિકુલસિંહ સાસરીમાં મહેમાનગતિ માણવા ગયો હતો. સોમવારે બાઈક પર સાસરીમાંથી પોતાના ઘરે જતો હતો ત્યારે નિકુલસિહ સેકટર-૩૦ સાબરમતી બ્રિજ નજીક પહોંચ્યો હતો. બ્રિજ નજીક નિકુલસિંહે બાઈક ઉભું રાખી દીધું હતું અને સાસરીમાં ફોન કરીને પોતે આપઘાત કરી રહ્યો હોવાનું કહ્યું હતું.
સાસરિયા તેને બચાવવાની ચિંતામાં દોડતા થઈ ગયા હતા, પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા નિકુલસિંહે બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી. સીધા નદીના પાણીમાં પડવાના બદલે નિકુલસિંહના હાથમાં નિર્માણાધીન બીમનો સળિયો આવી ગયો હતો. થોડા સમય સુધી તે સળિયા પર લટકી રહ્યો હતો. દરમિયાન ગાંધીનગર ફાયરબ્રિગેડે નિકુલસિંહને બચાવી લીધો હતો.
ફાયર બ્રિગેડે નિકુલસિંહને ચિલોડા પોલીસના હવાલે કર્યો હતો. ચિલોડા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સાસરીથી પરત આવતી વખતે નિકુલસિંહે સાબરમતી નદીમાં કૂદકો માર્યો હત.
ઘર-પરિવારની તમામ જવાબદારી તેના માથે હોવાથી આર્થિક સંકડામણ રહેતી હતી. જેના કારણે સાસરીમાં ફોન કર્યા પછી તેણે નદીમાં પડતું મુકયું હતું. જોકે નદીમાં નવીન બની રહેલા બીમના લોખંડના સળિયા પકડીને નીકુલ લટકી રહ્યો હતો. જેને ફાયર બ્રિગેડ દ્વારા હેમખેમ બહાર કાઢી લેવાયો છે.