Western Times News

Gujarati News

વેરાવળમાં ડિમોલિશનના કેસમાં હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

અમદાવાદ, વેરાવળમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનના ડિમોલિશનનો મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. આ મામલે અરજદાર કમિટી દ્વારા વિવાદીત જગ્યા પર સ્ટેટસ ક્વો(યથાવત્ સ્થિતિ) જાળવી રાખવાની દાદ માંગી હતી.

આ કેસમાં સોમવાર બાદ મંગળવારે પણ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી અને સરકાર તથા અરજદાર પક્ષ તરફથી પોતાના પક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેના અંતે જસ્ટિસ સંગીતા કે. વિશેને ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં હવે હાઇકોર્ટ ગુરુવારે ચુકાદો સંભળાવી શકે છે.

આ મામલે અરજદાર ઔલિયા-એ-દીન કમિટી દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ જમીન ઉપર કબ્રસ્તાન, મસ્જિદ અને દરગાહ આવેલી છે. રેકોર્ડ મુજબ જુનાગઢ રાજ્યે કબ્રસ્તાન વર્ષ ૧૯૦૩માં આપ્યું હતું. ત્યાં કેટલાક મહાન શખ્સોને દફનાવવામાં આવતા તેની ઉપર દરગાહ બની છે, જ્યારે બાકીની કબરો છે.

આ જમીન કબ્રસ્તાન તરીકે વપરાય છે અને જમીનની મિલકતના નવ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયા છે. આ વર્ષે ૧૨મી સપ્ટેમ્બરે એક નોટિસ મળી હતી. જેમાં ૧૯મી સપ્ટેમ્બરે કલેકટર સમક્ષ સુનાવણી હતી. જેમાં અરજદારોએ ૨૦મી સપ્ટેમ્બરની તારીખ માંગી હતી.

ત્યારબાદ ૨૭મી સપ્ટેમ્બરે ફાઇનલ હિયરિંગ રાખવામાં આવી હતી. જેમાં ફરીથી અરજદારોએ સમય માંગ્યો હતો. જો કે અરજદારના જણાવ્યા મુજબ કેસ પેન્ડિંગ હોવા છતાં ૨૮મી તારીખથી ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે આ આરક્ષીત સ્મારકો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે શનિવાર અને રવિવારના રોજ સરકારી અધિકારીઓ વધુ સક્રીય થઇ જાય છે અને આવી કાર્યવાહી કરવા લાગે છે.

દાહોદના ડિમોલિશનના મામલે પણ આવી શંકાસ્પદ કાર્યવાહી જ કરાઇ હતી. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમનો ઓર્ડર આરોપીઓના ઘર તોડવાને લગતો છે. આ કેસના મિલ્કત ધારકો પહેલા પણ કોર્ટમાં આવી ચૂક્યા છે.

જુદી જુદી ન્યાયિક સંસ્થાઓમાં આ બાબતે પાંચ કેસો પેન્ડિંગ છે. અરજદારે ૧૨મી સપ્ટેમ્બરે પણ અરજી કરીને કે યથાવત્ સ્થિતિ જાળવી રાખવા કોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે સામા પક્ષકારોને પણ નોટિસ આપી નથી. વકફ ટ્રિબ્યુનલ સામે પણ આ જ મુદ્દાની અરજી પેન્ડિંગ છે. નવમી ઓકટોબર, ૨૦૨૩ થી કોઈ ન્યાયિક સંસ્થા દ્વારા વચગાળાનું રક્ષણ મિલકત ધારકો કે અરજદારોને અપાયું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.