ભારતીયોએ ઈરાન જવા અને લેબેનોનમાં સુરક્ષિત જગ્યાએ રહેવાની વિદેશ મંત્રાલયની સલાહ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે ભારતનું પહેલું નિવેદન-અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિ બગડવાથી ખૂબ જ ચિંતિત છીએ-અમે વિનંતી કરીએ છીએ કે તમામ મુદ્દાઓ વાતચીત અને વ્યૂહનીતિના માધ્યમથી ઉકેલવામાં આવેઃ ભારતીય વિદેશ મંત્રાલયે આપેલી પ્રતિક્રિયા
નવી દિલ્હી, ઈરાનના ઈઝરાયલ પર મિસાઇલ એટેક અને બાદમાં વળતા પ્રહાર રૂપે ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂ તરફથી આપવામાં આવેલી ધમકીએ પશ્ચિમ એશિયામાં મોટું યુદ્ધ શરૂ કરી દીધું છે. જોકે, આ મામલે હવે હવે ભારતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
પશ્ચિમ એશિયાની હાલત પર ભારતીય વિદેશ મંત્રાયલયે વાતચીત અને વ્યૂહનીતિના મુદ્દાને ઉકેલવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિ બગડવાથી ખૂબ ચિંતિત છીએ અને તમામ સંબંધિત પક્ષોને સંયમ અને નાગરિકોની સુરક્ષાના આહ્વાનને પુનરાવર્તિત કરીએ છીએ. અમે વિનંતી કરીએ છીએ કે તમામ મુદ્દાઓ વાતચીત અને વ્યૂહનીતિના માધ્યમથી ઉકેલવામાં આવે.’
ભારતીય વિદેશ મંત્રાલયે આ તણાવને લઈને કહ્યું, ‘અમે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને લઈને ચિંતિત છીએ. અમે આ વિસ્તારોમાં પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે તત્પર છીએ. પશ્ચિમ એશિયામાં આશરે ૯૦ લાખ ભારતીયો રહે છે. તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને તે વાતચીતથી જ સંભવ છે. કોઈપણ વિવાદનો વ્યૂહનીતિથી ઉકેલ લાવવો જોઈએ. જરૂરી છે કે, આ વિવાદ મોટું રૂપ ન લે, નહીંતર આખા વિસ્તાર પર તેની વિપરિત અસર થશે. તેથી સંપૂર્ણ વિવાદનો ઉકેલ સંવાદ અને વ્યૂહનીતિથી લાવવામાં આવે.’
આ પહેલા પણ ભારત સરકાર નાગરિકો માટે એડવાઇઝરી રજૂ કરી ચૂકી છે. જેમાં જણાવાયું હતું કે, ભારતીયોએ ઈરાન જવાનું ટાળવું અને લેબેનોન તેમજ ઈઝરાયલમાં પણ સુરક્ષિત જગ્યાએ રહેવાની સલાહ આપવામાં આવી છે. બિનજરૂરી કામ માટે બહાર ન નીકળવાની તેમજ બિનજરૂરી યાત્રાઓ રદ્દ કરવાની સલાહ આપી છે.
આ સિવાય ભારત સરકારે જે લોકો ઈરાનમાં રહે છે તેમને સલાહ આપી હતી કે, સાવધાનીથી રહેવું અને બિનજરૂરી યાત્રા ટાળવી.
તેમજ કોઈપણ મુશ્કેલીની સ્થિતિમા તુરંત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવો. નોંધનીય છે કે, ઈરાનમાં લગભગ ૪ હજાર ભારતીય છે, જેમાં વિદ્યાર્થી, શિક્ષક અને નાના વેપારીઓનો સમાવેશ થાય છે. ઈરાન તરફથી ઈઝરાયલ પર મિસાઇલ એટેક બાદ તણાવની સ્થિતિ ઉભી થી છે. જેથી દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અબ્દુલ કલામ રોડને બેરિકેડ લગાવીને બંધ કરી દેવાયો છે. તેમજ દિલ્હી પોલીસની ગાડીઓ સાથે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઈરાનના હુમલા બાદ બ્રિટનને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. બ્રિટનના રક્ષા પ્રમુખનું કહેવું છે કે, બ્રિટનની સેનાએ ઈરાનના મિસાઇલ હુમલાની નિષ્ફળ કરવામાં ઈઝરાયલની મદદ કરી. એક્સ પર લખતા રક્ષા સચિવ જાન હિલીએ કહ્યું કે, બ્રિટીશ સેનાએ મિડલ ઈસ્ટમાં મધ્ય પૂર્વમાં પોતાની ભૂમિકા ભજવી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે, બ્રિટન ઈઝરાયલના આત્મરક્ષાના અધિકારોનું સમર્થન કરે છે. ઈરાને લાંબા સમયથી મધ્યપૂર્વને જોખમમાં મૂકી દીધું છે.