સુરતમાં હીરા દલાલની પત્નીએ પુત્રને ઝેર આપી પોતે પણ ગટગટાવ્યું
સુરત, હીરા ઉદ્યોગમાં મંદીને કારણે આર્થિક સંકડામણમાં મુકાયેલા રત્નકલાકારોના આપઘાતના બનાવો સતત સામે આવી રહ્યાં છે, તેમાં ઉત્રાણ વિસ્તારમાં એક હીરા દલાલની પત્નીએ ચાર વર્ષના પુત્રની સાથે આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પણ સામે આવ્યો છે.
ચાર વર્ષના માસૂમ બાળકને ઝેર પીવડાવી માતાએ પોતે પણ વિષપાન કરી આપઘાત કરી લીધો હતો. જોકે, માતાના અત્યંતિક પગલાં પાછળના કારણો અંગે રહસ્ય સર્જાયું છે. અલબત્ત, પોલીસ આ બનાવમાં પણ આર્થિક સંકડામણ અથવા ઘરકંકાસ કારણભૂત હોવાની શક્યતા જોઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાના વતની રવિભાઈ ધામંત હાલમાં સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા રોયલ બિલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં ૨૬ વર્ષની પત્ની પાયલ અને ચાર વર્ષના પુત્ર માહિર સાથે રહેતા હતા.
હીરાની દલાલી કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે બપોરે પત્ની પાયલ દેરાણીની તબિયત સારી ના હોવાથી સાસુમાને ત્યાં મૂકીને પરત આવી ગઈ હતી. ત્યારબાદ અનાજમાં નાખવાના ઝેરી ટીકડાનો પાવડર બનાવી પોતાના ચાર વર્ષના દીકરા માહિરને પીવડાવી દીધો હતો.
પોતે પણ અનાજમાં નાખવાના આ ઝેરી ટીકડા ગળી લીધા હતા. થોડીવાર બાદ પાયલે પોતાના પતિને ફોન કરી પોતાના ઉલ્ટી થતી હોવાનું જણાવી ઘરે તેડાવ્યા હતા. સમગ્ર હકીકત જણાવતા પતિએ પત્ની પાયલ અને પુત્ર માહિરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જોકે, ગઈકાલે મોડી સાંજે સારવાર દરમિયાન માસૂમ પુત્રનું મોત થયું હતું જ્યારે પત્ની પાયલનું આજે બુધવારે મળસ્કે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ઉત્રાણ પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી હતી.
હીરા દલાલ રવિ અને પાયલના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યાે હતો. આપઘાતના એક કલાક પહેલા પાયલે પોતાની માતા અને ભાઈ સાથે મોબાઈલમાં વિડીયો કોલ પર વાત કરી હતી. માતા પુત્રના મોતના બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
હાલ બનાવ પાછળ રહસ્ય સર્જાયું છે, પરંતુ આ બનાવવામાં પણ આર્થિક સંકડામણ અથવા ઘરકંકાસ કારણભૂત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી, તેવું પોલીસ સૂત્રોનું કહેવું છે.SS1MS