Western Times News

Gujarati News

લેબનોનમાં હિઝબુલ્લાહ પર ઇઝરાયેલના હવાઇ હુમલામાં ૪૬ના મોત, ૮૫ ઘાયલ

બૈરુત, ઇઝરાયેલે લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહહને ટાર્ગેટ કરીને છેલ્લા ૨૪ કલાકમાં કરેલા હવાઇ હુમલામાં ઓછામાં આછા ૪૬ના મોત થયા હતા અને બીજા ૮૫ ઘાયલ થયાં હતાં.

ઇઝરાયેલના હવાઇદળે પ્રથમ વખત ગુરુવારે લેબનોનની રાજધાની બૈરુતના એક એપોર્ટમેન્ટ પર હુમલો કર્યો હતો અને તેમાં નવ લોકોના મોત થયા હતાં. બીજી તરફ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહહના લડાકુ સામેની લડાઈ ચાલુ કરી હતી. ઇઝરાયેલે બૈરુતના દક્ષિણી ઉપનગરમાં આવેલી હિઝબુલ્લાહહની મીડિયા ઓફિસની ઇમારત પર હવાઇ હુમલો કર્યો હતો.

તેમાં હિઝબુલ્લાહની મીડિયા રિલેશન ઓફિસનો ખાતમો બોલાવ્યો હતો. આ હુમલા પહેલાં કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. આ એપાર્ટમેન્ટ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય, વડાપ્રધાનની આૅફિસ અને સંસદની નજીકની ઇમારત પાસે આવેલી છે. હિઝબુલ્લાહહના નાગરિક સંરક્ષણ એકમે જણાવ્યું હતું કે તેના સાત સભ્યો માર્યા ગયા હતાં.

ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહહ સામે જમીની આક્રમણ પણ કરી રહ્યું છે. બીજી તરફ ગાઝામાં હુમલા પણ ચાલુ રાખ્યા હતા. ગાઝામાં બાળકો સહિત ડઝનેક લોકો માર્યા ગયા હતાં. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે દક્ષિણ લેબેનોનમાં સંઘર્ષમાં આઠ સૈનિકોના મોત થયા છે.

૭ ઓક્ટોબર ૨૦૨૩એ હમાસના હુમલા પછીના દિવસથી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહહ લગભગ દરરોજ લેબનોન સરહદ પર એકબીજા પર હુમલા કરે છે.ઇઝરાયેલ ઇરાન પર વળતો કરશે તેવી વ્યાપક અટકળો વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેને જણાવ્યું હતું કે ઇરાન સામે ઇઝરાયેલ તાકીદે વળતો હુમલો કરે તેવી તેમને અપેક્ષા નથી.

તહેરાને ઇઝરાયેલ પર આશરે ૨૦૦ બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યાના બે દિવસ પછી ગુરુવારે બાઇડેને આ નિવેદન આપ્યું હતું. ઇરાન પર વળતા હુમલાની અમેરિકા ઇઝરાયેલને મંજૂરી આપશે કે નહીં તેવા સવાલના જવાબમાં બાઇડને જણાવ્યું હતું કે સૌ પ્રથમ એ કે અમે ઇઝરાયેલને ‘મંજૂરી’ આપતા નથી, અમે ઇઝરાયેલને સલાહ આપીએ છીએ. અને આજે કંઇ થવાનું નથી.

લેબનોનના આરોગ્ય પ્રધાન ફિરાસ અબિઆદ જણાવ્યું હતું કે હેલ્થ ફેસિલિટી પરના ઇઝરાયેલના હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.આ એક યુદ્ધ અપરાધ છે, તેમાં કોઈ શંકા નથી. લેબનોનમાં હિઝબુલ્લાહના હેલ્થ સેન્ટર પરના હુમલા પછી તેમણે આ નિવેદન આપ્યું હતું.

ઇઝરાયેલી આર્મીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેને ત્રણ મહિના પહેલા કરેલા હવાઈ હુમલા દરમિયાન ગાઝામાં હમાસ સરકારના વડા રાહવી મુશ્તાહા અને બીજા બે હમાસ લીડરનો ખાતમો બોલાવ્યો હતો. ગાઝામાં એક ભૂગર્ભ કમ્પાઉન્ડ પરના હુમલા રાહવી મુશ્તાહા અને હમાસના અન્ય બે કમાન્ડર સમેહ સિરાજ અને સમેહ ઓદેહ માર્યા ગયા હતા. હમાસે આ અહેવાલ પર કોઈ ટિપ્પણી કરી નથી.

સૈન્યનું કહેવું છે કે ત્રણ કમાન્ડરોએ ઉત્તર ગાઝામાં એક અંડરગ્રાઉન્ડ કમ્પાઉન્ડમાં આશરો લીધો હતો જે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે સેવા આપે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.