ટ્રેન નીચે પડતું મુકી રેલવેના જુનિયર એન્જિનિયરનો આપઘાત
અમદાવાદ, શહેરના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે શુક્રવારે વહેલી સવારે રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આધેડે ધસમસતી ટ્રેનની સામે જઈ ટ્રેક પર સૂઈ જઈ આત્મહત્યા કરી લીધી હતી. ટ્રેન આવવાની હોઈ બંને બાજુના ક્રોસિંગ બંધ હતા ત્યારે રાહદારીઓ અને વાહનચાલકો ઉભા હતા ત્યારે લોકોની નજર સામે આ ઘટના બનતા ઉપસ્થિત લોકોમાં હાહાકાર મચી ગયો હતો. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતના ભયંકર બનાવને લઈને મણિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર મણિનગરમાં સીએનઆઈ ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઈ સિલ્વેસ્ટર રાઠોડ (ઉ.૫૪) રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અશ્વિનભાઈએ ગુરુવારે બપોરે ૩ થી રાતના ૧૧ વાગ્યા સુધી ફરજ બજાવી હતી.
શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. આ દરમિયાન શુક્રવાર સવારના સાત વાગ્યાના સુમારે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન આવવાની હોવાથી તંત્ર દ્વારા બંને તરફના ક્રોસિંગ બંધ કરી દેવાયા હતા. બીજી તરફ રાહદારીઓ અને વાહનચાલકો ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા. આ પહેલા બે ત્રણ નાગરિકો સિગ્નલ ક્રોસ કરીને પગપાળા ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા.
તેવામાં અશ્વિનભાઈ રાઠોડ પણ ક્રોસિંગમાંથી બહાર આવીને ટ્રેક તરફ પહોંચ્યા હતા. ઉપસ્થિત લોકો તેમને જોઈ રહ્યા હતા કે હમણાં તેઓ ટ્રેક ક્રોસ કરીને આગળ વધશે. પરંતુ લોકોની નજર સામે જામનગર હમસફર ટ્રેનની નીચે અશ્વિનભાઈ ટ્રેક પર સૂઈ ગયા અને ટ્રેન તેમના પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આપઘાતના બનાવને પગલે ઉપસ્થિત લોકોમાં હાહાકાર મચી ગયો હતો. દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. તે જોઈને ર્મોનિંગ વોક કરવા નીકળેલા અશ્વિનભાઈની સોસાયટીમાં રહેતા એક રહીશે કુતુહલવશ ત્યાં જઈ જોતા તેમણે અશ્વિનભાઈની લાશ જોતા તેમના ભાઈને જાણ કરતા પરિવારને આ ઘટનાની ખબર પડી હતી.
અશ્વિનભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તેની હાલમાં કોઈ માહિતી મળી નથી. આ અંગે હાલમાં મણિનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.