FMCG, બેન્કિંગ અને એનર્જી સ્ટોક્સમાં વેચવાલીને કારણે શેરબજારમાં ઘટાડો
શેરબજારમાં સતત પાંચમા દિવસે કડકો-પરંતુ વેપાર પૂરો થવાના થોડા સમય પહેલા બજારમાં ફરી તીવ્ર નફાખોરી શરૂ થઈ
(એજન્સી)મુંબઈ, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સેશન અને સતત પાંચમા દિવસે ભારતીય શેર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. આખો દિવસ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું પરંતુ દિવસ દરમિયાન સેન્સેક્સમાં ૮૭૦ અને નિફ્ટીમાં ૨૩૫ અંકનો વધારો આવ્યો હતો.
પરંતુ વેપાર પૂરો થવાના થોડા સમય પહેલા બજારમાં ફરી તીવ્ર નફાખોરી શરૂ થઈ અને સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી ૧૮૩૫ અને નિફ્ટી ૫૨૦ અંક સુધી નીચે ગબડ્યો. એફએમસીજી, બેન્કિંગ અને એનર્જી સ્ટોક્સમાં વેચવાલીને કારણે બજારમાં આ ઘટાડો આવ્યો છે. વેપાર પૂરો થતાં સેન્સેક્સ ૮૦૮ અંકના ઘટાડા સાથે ૮૧,૬૮૮ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૦૦ અંકના ઘટાડા સાથે ૨૫૦૪૯ અંક પર બંધ થયો છે.
બજારમાં વેચવાલીને કારણે આજે પણ રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ ૪૬૧.૦૫ લાખ કરોડ રૂપિયા પર ગિરીને બંધ થયું છે જે અગાઉના સત્રમાં ૪૬૫.૦૫ લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને ૩.૭૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.