ગુજરાત ATS અને NCB દિલ્હીની ટીમને મળી સફળતાઃ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી
1814 કરોડના મુદ્દામાલ સાથે એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
(એજન્સી)ભોપાલ, મધ્ય પ્રદેશના ભોપાલમાં રહેતા અમીત ચતુર્વેદી તથા નાસીક, મહારાષ્ટ્રમાં રહેતા સનયાલ બાને ભોપાલના બગરોડા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ડ્રગ્સ બનાવવાની ફેકટરી શરૂ કરી. બાતમીના આધારે ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીની ટીમ દ્વારા રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
જે દરમ્યાન માદક પદાર્થ મેફેડ્રોન બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હોવાનું ખૂલવા પામેલ. સર્ચ દરમ્યાન કુલ ૯૦૭.૦૯ કિ.ગ્રા.મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) મળી આવેલ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા ૧૮૧૪.૧૮ કરોડ થાય છે.
આ ઉપરાંત ૪૦૦ કિલોગ્રામ ૨ બ્રોમો ૪ મીથાઈલ પ્રોપીયોફીનોન, ૧૮૦૦ કિ.ગ્રા. મોનો મીથાઈલ એમાઈન, ૧૦૦૦ કિ.ગ્રા. એસીટોન, ૮૦૦ કિ.ગ્રા. ટોલ્યુઈન, ૮૦૦ કિ.ગ્રા. એચ.સી.એલ. તથા અન્ય રો-મટીરીયલ અને મેફેડ્રોન ઉત્પાદન માટે ઉપયોગમા લેવાતા સંસાધનો ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે કબ્જે કરવામાં આવેલ ઝાડપાયેલ આરોપી.
અમીત પ્રકાશચંદ્ર ચતુર્વેદી, ઉ.વ. ૫૭ વર્ષ, રહે. કોટરા સુલ્તાનાબાદ રોડ, હુઝુર,ભોપાલ, મધ્યપ્રદેશ સનયાલ પ્રકાશ બાને, ઉ.વ. ૪૦, રહે. પ્રભુ એટલાન્ટીસ, નાસીક-ગંગાપુર રોડ, નાસીક, મહારાષ્ટ્ર આરોપી સનયાલ પ્રકાશ બાને આ અગાઉ વર્ષ ૨૦૧૭માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧- કિ.ગ્રા. મેફેડ્રોન સીઝર કેસમાં પકડાયેલ અને ૫ વર્ષ જેલમાં રહ્યો હતો.
જેલમાંથી છૂટ્યા બાદ તેણે અમીત ચતુર્વેદી સાથે મળી ગેરકાયદેસર મેફેડ્રોન ના ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાંકીય લાભ મેળવવાનો પ્લાન બનાવેલ. જે મુજબ તેઓએ ભોપાલના બગરોડા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ૬-૭ મહિના અગાઉ એક શેડ ભાડે લઈ તેમાં ૩-૪ મહિનાથી ગેરકાયદેસર મેફેડ્રોન તૈયાર કરવા રો- મટીરીયલ, સાધન-સામગ્રી એકત્રિત કરેલ હતી અને કેમીકલ પ્રોસેસ અને ઉત્પાદન શરૂ કર્યું હતું.
અંદાજિત ૨૫૦૦ વારની જગ્યાના શેડમાં ચાલી રહેલ ઉપરોક્ત પકડાયેલ ફેક્ટરી એટીએસ ગુજરાત દ્વારા આજ દિન સુધી પકડવામાં આવેલ ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી સૌથી મોટી હોવાનો દાવો એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે. ૫-૭ દિવસમાં અંદાજિત ૪૦-૫૦ કિ.ગ્રા. મેફેડ્રોન ઉત્પાદન કરવાની ક્ષમતા આ ફેકટરી ધરાવે છે.
પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે વધુ તપાસ ચાલુમાં છે.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘હાલમાં જ ગુજરાત એટીએસ અને એસીબીએ ભોપાલમાં દરોડા પાડી ૧૮૧૪ કરોડ રૂપિયાનું એમડી અને એમડી બનાવવા વપરાતો માલ-સામાન જપ્ત કર્યો છે.
ડ્રગ્સની હેરાફેરી અને દાણચોરીના ગુનાને દૂર કરવાના પોલીસના અથાગ પ્રયાસોનું આ પરિણામ છે. તેમના સહયોગથી આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહી છે. અમારી લા એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાંને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!’