Western Times News

Gujarati News

ઈરાનમાં ક્રુડ તેલનું ઉત્પાદન ઘટશે તો ભાવમાં 20 ડોલરના ઉછાળાની શક્યતા

ઈરાન-ઈઝરાયલ તંગદિલી વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ક્રુડ તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે

(એજન્સી)મુંબઈ, ઈરાનમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં ઘટાડો થશે તો આગામી વર્ષમાં ક્રુડ તેલના ભાવમાં પ્રતિ બેરલ ૨૦ ડોલરનો વધારો થવા સંભવ હોવાનું ગોલ્ડમેન સાક્સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. ઈરાન-ઈઝરાયલ તંગદિલી વણસતા છેલ્લા એક સપ્તાહથી ક્રુડ તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઈરાનના ક્રુડ તેલના દૈનિક ઉત્પાદનમાં દસ લાખ બેરલનો ઘટાડો થશે તો ભાવમાં પ્રતિ બેરલ વીસ ડોલર જેટલો વધારો થવાની શકયતા છે.

હાલમાં બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૭૮ ડોલર સુધી પહોંચી ગયા છે, પખવાડિયા પૂર્વ ૭૦ ડોલર આસપાસ બોલાતા હતા. જો કે ક્રુડ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા ઉત્પાદનમાં વધારો કરવામાં નહીં આવે તો જ ભાવમાં ૨૦ ડોલર જેટલો વધારો જોવા મળશે. ચીનમાં મંદ માગને કારણે તાજેતરના ભૂતકાળમાં ક્રુડ તેલના ભાવ દબાણ હેઠળ રહેતા હતા

પરંતુ ચીનમાં મોટેપાયે સ્ટીમ્યુલ્સ જાહેર કરાતા તેના અર્થતંત્રને ટેકો મળી રહે છે, જે ક્રુડ તેલના ભાવમાં વધારો લાવી શકે છે. દૈનિક ૪૦ લાખ બેરલ સાથે ક્રુડ તેલના વૈશ્વિક પૂરવઠામાં ઈરાનની ભૂમિકા મહત્વની છે. બન્ને દેશો વચ્ચે સંપૂર્ણ સમયનું યુદ્ધ ફાટી નીકળશે તો, બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૦૦ ડોલર સુધી પણ જઈ શકે છે તેવી પણ અન્ય એક રિસર્ચ પેઢીએ શકયતા વ્યકત કરી હતી.

ઘરઆંગણે ક્રુડ તેલની માગમાં વધારો થતાં ઈરાક તથા સાઉદી અરેબિયા ખાતેથી ગયા મહિને ક્રુડ તેલની આયાતમાં નોંધપાત્ર વધારો વધારો થયો હોવાનું સરકારી સુત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ઈરાક તથા સાઉદી અરેબિયા ખાતેથી ક્રુડ તેલની આયાત અનુક્રમે ૧૬ ટકા અને ૩૭ ટકા વધી હતી.

ગયા મહિને ઈરાક પાસેથી દૈનિક ૮.૯૦ લાખ બેરલ જ્યારે સાઉદી અરેબિયા ખાતેથી દૈનિક ૬.૮૮ લાખ બેરલ ક્રુડ તેલની આયાત કરવામાં આવી હતી. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ક્રુડ તેલની એકંદર આયાત ૧૨.૭૦ ટકા વધી પ્રતિ દિન ૪૭ લાખ બેરલ રહી હતી.ભારત તેની ક્રુડ તેલની કુલ આવશ્યકતામાંથી ૮૫ ટકા આયાત મારફત પૂરી કરે છે. ક્રુડ તેલના ભાવમાં તાજેતરના ઘટાડાથી ભારત માટે સ્થિતિ સાનુકૂળ બની હતી, પરંતુ ઈઝરાયલ-ઈરાન તંગદિલીથી સ્થિતિ ફરી કથળી ગઈ હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.