સમાજમાં ભૌતિક સુખ સાધન વિપુલ પ્રમાણમાં હોવા છતાં જીવનમાં સુખ શાંતિ નથી
કેવા દૈવી સંસ્કારો પ્રભુને ગમે ?
માનવી જીવનમાં સંસ્કારોની ઘણી જ આવશક્યતા છે. દૈવી સંસ્કારોથી સુંદરતા આવે છે, બધા જ ક્ષેત્રોમાં સંસ્કાર ઘડતરથી જ શોભા વધતી હોય છે, કિંમત વધતી હોય છે, જેમ કે કુંભાર હોય તેની પાસે એક માટીનો પીંડ હોય તે માટીના પીંડને ચાકડા ઉપર મૂકે તેને ઘડાના ઘાટ આપે પછી એક ટપલાથી બહારના ભાગેથી ટીપે, અંદરના ભાગે હાથમાં પથ્થર રાખી ઉપરથી ધીમે ધીમે ટીપતો જાય તેમ થતાં તે માટીમાંથી જ ઘડો બને.
કુંભારે માટીને, સંસ્કાર કર્યા તો માટી જ ઘડો બની – રત્નકલાકાર એક પથ્થરને હીરાને તેના ફરતે ચોપન પેલ પાડે, પથ્થરને જ ઘસી ઘસીને પેલ પાડે એટલે સંસ્કાર કરે છે તો તે પથ્થર પછી હીરો બની જાય છે, અને સોનાના અંલકારમાં જડાય છે તેની કિંમત થાય છે.
સુથાર એક ઝાડના થડને લાવી કરવતથી કાપી ટુકડા કરી રંધાથી છોલી કરીને ફર્નિચર બનાવે છે, તેના ઉપર પોલીશ વગેરેના સંસ્કાર થાય ત્યારે ઘરનું ફર્નિચર બને છે ઘરને સુશોભિત કરે છે –
ડુંગરમાં પડેલો મોટો પથ્થર શિલ્પી તેને લાવી ટાંકણા વડે ટાંકી ટાંકીને ભગવાનની મૂર્તિ બનાવે છે પોલીશ કરી સંસ્કાર કરે છે ત્યારે તે પથ્થર ભગવાનની મૂર્તિ બને છે – તે પથ્થરને સંસ્કાર થતાં મૂર્તિ બને છે કોઈ સારા મંદિરમાં તેને બ્રાહ્મણો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા થતા તેને આપણે ભગવાન માની દરરોજ દર્શન કરીને તેમાંથી જ હૂંફ પ્રેરણા અને શક્તિ મેળવીએ છીએ – ઘઉંના લોટ ઉપર સંસ્કારો કરતાં કરતાં આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ અને સ્વાદને માણીએ છીએ,
તે ન્યાયે માણસને પણ સંસ્કારો વિધિવત થવા જોઈએ તો નરમાંથી નારાયણ બની શકે. સુસંસ્કારો ન થાય તો માણસમાંથી પશુ થતાં વાર નહિ લાગે, આપણાં શાસ્ત્રોમાં માણસના ગર્ભાધાનથી સ્મશાન સુધીનાં સોળ સંસ્કારો થાય છે, સંસ્કારોથી સૌંદર્ય વધે છે, સૌંદર્યના બે પ્રકાર છે, આંતર સૌંદર્ય અને બહિર સૌંદર્ય. આજે બહિર સૌંદર્ય ઉપર જ બધાનું ધ્યાન ગયુ છે, શરીરને શણગારવું, ઘરને શણગારવું, સજાવવું.
આ સારી વાત છે, પણ ફકત બહિર સૌંદર્ય જ પૂરતું નથી, આંતર સૌંદર્ય તરફ બે દરકાર રહેવું તે પણ બરાબર નથી મન સૌંદર્ય.
બુદ્ધિ સૌંદર્ય, તરફ બે દરકાર રહેવું તે પણ બરાબર નથી મન સૌંદર્ય, બુદ્ધિ સૌંદર્ય, અને આત્મ સૌંદર્ય માટે પણ પ્રયત્ન થવા જોઈએ તેના માટે આપણા તપોવનોમાં ચૌદ વિદ્યા અપાતી, જોડે જોડે ચોસઠ કલા પણ આજીવિકા માટે અપાતી. આજની શિક્ષણ સંસ્થાઓમાં ફકત કલાનું જ્ઞાન એટલે ફકત રોટલાનું જ જ્ઞાન અપાય છે
જેના કારણે સમાજમાં ભૌતિક સુખ સાધન વિપુલ પ્રમાણમાં હોવા છતાં તેના જીવનમાં સુખ શાંતિ સમાધાન તૃપ્તિ નથી. માણસ આજના શિક્ષણથી ડૉકટર બને છે એન્જિનિયર બને છે – ઉદ્યોગપતિ બને છે વેપારી- પ્રોફેસર બને છે અને તે મુજબ તેના ધંધામાં યા નોકરીમાં પાંચ-આઠ કે બાર કલાક ગાળે છે. પછી તે ઘરમાં આવે છે ત્યારે તેને પતિ બનવું પડે છે તો ત્યાં ઘણા બધા નાપાસ થાય છે કારણ આંતર સૌંદર્ય વધ્યું નથી,
તેના સંસ્કારો આજની શિક્ષણ સંસ્થાઓમાંથી મળ્યા જ નથી ત્યાં કલાનું જ શિક્ષણ મળે છે, વિદ્યાનું મળતું નથી. પરિણામે મોટા ભાગે શિક્ષિતોમાં આજે છુટાછેડા ફારગતીના મફતનું ખાવાના કેસો કોર્ટમાં વધુ છે તેમના માતા-પિતાઓ જ મોટાભાગે ઘરડા ઘરોમાં જણાય છે. તેથી નક્કી થાય છે કે શિક્ષિત, ઉજળિયાત વર્ગ પણ કુટુંબ જીવનમાં, દામ્પત્ય જીવનમાં નાપાસ થયેલો જણાય છે. કુટુંબમાં ભાવાત્મક ઐક્ય જોડી શકતો નથી
કારણ આજની શાળાઓ મહારાશાળાઓમાં ઈશ્વરાભિમુખ દૈવી ગુણોનું શિક્ષણ અપાતું નથી – આંધળી ખોખલી વેવલી ધર્મ નિરપેક્ષતાના ઓઠા તળે ઈશ્વરને જ શિક્ષણમાંથી બાદ કરતાં આજે રાષ્ટ્ર, સમાજ, કુટુંબ અને દામ્પત્ય જીવનનો ખાત્મો બોલાયો છે. આવો શિક્ષણનો ઢાંચો કાયદો કરી જનતાના પાસેથી શિક્ષણ વેરો લઈ માનવીને મારી નાંખવાના અપાતા શિક્ષણ માટે જે તે શિક્ષણાધિકારીઓ, રાજસત્તાધિકારીઓ જવાબદાર છે.
ભારતીય વૈદિક સંસ્કૃતિના તપોવન શિક્ષણ પદ્ધતિના વિરૂદ્ધમાં હોય છે તેવા રાજકારણીઓ ખોખલી ધર્મ નિરપેક્ષતા વાદીઓને શોધી શોધીને નાકમાંથી લીંટ ફેંકી દો તેમ ચૂંટણીઓમાંથી ફેંકી દો. આ લોકો દિગ્ભ્રાંત થયાં છે, જગતના માલિકને તેના કાયદાને છોડીને જગતને સુખી કરીશું. આ વિચાર ધારા જ પાગલોની છે, અને જગતના માલિકના વિરૂદ્ધમાં રહી અમે અમારા કાયદાથી જગતને સુખી કરીશું. આ ગર્જના રાક્ષસોની છે, રાવણ-કંસની છે
માનવીનાં સંસ્કારોના બારામાં રાજસત્તા, શિક્ષણ સંસ્થા ફેઈલ થઈ છે, તો તાકીદે તેવા સંસ્કારો માટે આપણા બાળકોને, બાળ સંસ્કાર કેન્દ્રો યુવાકેન્દ્રો, યુવતી કેન્દ્રો, સ્વાધ્યાય કેન્દ્રોમાં જવું જ રહ્યું તો જ ઘર-કુટુંબ સમાજ ટકશે. ઉપર જોયું તેમ સંસ્કારોથી જ સુંદરતા આવે છે તો માણસ મન-બુદ્ધિ ઉપર સંસ્કારો થવા જ જોઈએ. તે માટે રામાયણ-મહાભારત-ગીતા વેદ ઉપનિષદ્જેવા જીવંત ગ્રંથોનાં જીવન ચારિત્રોની પાઠશાળાઓમાં જવું જ પડશે.
ફકત વેપારી, ઉદ્યોગપતિ, ડૉકટર, એન્જિનિયર કે પ્રોફેસર બનવાથી જ સર્વાગીણ વિકાસ ન કહેવાય. તેની જોડે આદર્શ પિતા, આદર્શ માતા, આદર્શ પુત્રવધુ બનવું પડશે. તો જ સંસાર બાગને મહેકતો બનાવી શકીશું, ફકત ભૌતિક વૈભવથી જ પૂરેપૂરું સુખ માણી ન શકાય. વૈભવ જોડે ભાવ સમૃદ્ધિ હૃદયની સમૃદ્ધિ જોઈએ. તેના માટે સ્વાધ્યાય હૃદયને સંસ્કાર મળે, તેવી રીતનું વિચારવું પડશે ને તેના માટે સ્વાધ્યાય કેન્દ્રોમાં જવું જોઈએ તેવા કેન્દ્રો ઊભા કરવા પડશે.
તો જ સંસારને સુખી સમૃદ્ધ અને સુંદર બનાવી શકાશે. ભૌતિક સમૃદ્ધિ ટકાવવા માટે પણ દૈવી ગુણો આધ્યાત્મિકતા લાવવી પડશે, એક સોની નોટમાં જેમ બે પાંચ દશની નોટ તેના પેટમાં આવી જાય છે, તેવી રીતે ઈશ્વરવાદના પેટમાં ભૌતિકતા છે. આ વિધાયક દષ્ટિકોણ સમજીશું. દૈવી સંસ્કારો ઘર ઘરમાં વ્યક્તિમાં કુટુંબમાં, સમાજમાં ઉભા થાય તેવા પ્રયત્નો કરીશું તો પ્રભુ આપણને પીઠબળ આપશે અને તેવા સુસંસ્કારો માટેના પ્રયત્નો પ્રભુને જરૂર ગમશે.