Western Times News

Gujarati News

ગરીબોને આવાસ ફાળવણી થઈ: પ્રાથમિક સુવિધાના નામે મીંડુ

મકરબામાં ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોનું માત્ર ચૂંટણીલક્ષી લોકાર્પણ થયું છે: શેહઝાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ,   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબો માટે આવાસ બનાવવામાં આવે છે પરંતુ તેની સમયસર ફાળવણી થતી નથી કે યોગ્ય સુવિધા ઉપલબ્ધ થતી નથી જેના કારણે ગરીબ લોકોને આવાસ નો લાભ મળતો નથી અને અંતે જર્જરિત અવસ્થામાં થઈ જતા તેને તોડી પાડવામાં આવે છે

વટવા આવાસ યોજનામાં આ જ પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું જ્યારે હવે સરખેજમાં લગભગ છ મહિના અગાઉ લોકાર્પણ કરવામાં આવેલ આવાસ માં પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી ન હોવાથી જેને ફાળવણી કરવામાં આવી છે તે લોકો તેમાં રહેવા જઈ શકતા નથી

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આ અંગે જણાવ્યું હતું કે સરખેજ-મકરબામાં ટી.પી.૮૪ એ માં એફ.પી. ૯૮/૧, ૯૮/૨માં ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૫૧૨ આવાસો બનાવવા માટે મે-૨૦૧૭ માં વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો.ત્યારબાદ સપ્ટે ૨૦૧૭ માં બાંધકામ રજાચીઠી અને નવે.૨૦૨૩ માં બી. યુ. પરમીશન મળ્યાં હતા.

આ તમામ આવાસના એપ્રીલ-૨૦૧૮ માં ડ્રો કરવામાં આવ્યા હતા જ્યારે   ફેબ્રુ- ૨૦૨૪ માં લોકાર્પણ કરવામાં આવેલ હતાં. તમામ આવાસો મ્યુ. કોર્પો. દ્વારા જરૂરિયાત લોકોને ફાળવવામાં આવ્યા હતાં પરંતુ પઝેશન આપ્યા બાદ મહિનાઓ વીતી જવા છતાં હજુ સુધી પ્રાથમિક જરૂરિયાત એવી પીવાના પાણીની સુવિધા આપવામાં આવેલ નથી જેને કારણે પઝેશન લેવા છતાં ગરીબ પરિવારો ત્યાં રહેવા જવા તૈયાર નથી

જેથી તમામ આવાસો બંધ અને બીનવપરાશ રહેવા પામેલ છે ગરીબ આવાસોનું પઝેશન આપતાં પહેલાં તમામ પ્રાથમિક સુવિધા પહેલાં ઉપલબ્ધ કરાવવી જોઈએ ત્યારબાદ પઝેશન આપવા જોઈએ.

જી.ડી.સી.આર.ના નિયમ મુજબ બી.યુ.પરમીશન આપતાં પહેલાં તમામ પ્રાથમિક સુવિધા જેવી કે લાઇટ, પાણી, ગટર, ફાયર સેફટી હોવા જરૂરી છે તેમ છતાં ગરીબ લોકોને આવાસો ફાળવતાં પહેલાં મ્યુ.તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા આપવા બાબતે ઉદાસીન છે

પીવાના પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા નહી હોવાના કારણે લોકો રહેવા જવાં તૈયાર નથી જેથી આવાસો બંધ રહેતાં જર્જરીત થવાના તેમજ અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃતિઓ થવા પામે તેવી પુરેપુરી સંભાવના રહેલી છે. અને વટવા આવાસ જેવી સ્થિતિ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

આ તમામ બાબતો અંગે તમામ જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવા તેમજ ઉપરોક્ત તમામ આવાસોમાં પીવાના પાણી તેમજ અન્ય પ્રાથમિક સુવિધા તાકીદે પુરી પાડવા માટેની કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.