ભા.જ.પ.ના કાર્યકરોની ઉત્સુકતા-પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે?
સંજય જોષી, વસુંધરા રાજે સિંધિયા કે દેવેન્દ્ર ફડણવીસ?
તાજેતરમાં સચિવાલયની કેન્ટીનમા ભા.જ.પ.ના એક સશક્ત અને દિગ્ગજ નેતાને વીંટળાઈને કાર્યકર્તાઓનું એક મોટું જુથ બેઠું હતું. એ નેતાએ ઓળખાણે કારણે આ લખનારને ચા પીવા નોતર્યો. તેમની પાસે પહોંચતાની સાથે સીધું જ પૂછી લીધું કે ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે? સંજય જોષી, વસુંધરા રાજે સિંધિયા કે દેવેન્દ્ર ફડણવીસ? Curiosity of BJP workers – Who will become the national president of the party?
આસપાસના કાર્યકર્તાઓને પણ આ પ્રશ્નમાં રસ પડ્યો એટલે એ સૌ પણ જવાબ સાંભળવા ઉત્સુક થઈ ગયા.નરેન્દ્ર મોદી પ્રત્યે ભરપૂર વફાદારી ધરાવતા પેલા નેતાએ કહ્યું કે “નરેન્દ્ર મોદી સત્તાના કેન્દ્રમાં છે ત્યાં સુધી તેઓ સંજય જોશીનો કોઈ ગજ વાગવા ન દે!
જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો બોલ આખરી રહેશે તો વસુંધરા રાજે સિંધિયા પ્રમુખ થાય એવું બને અને જો સાહેબનો (એટલે કે નરેન્દ્ર મોદીનો)બોલ જો આખરી રહેશે તો દેવેન્દ્ર ફડણવીસ આવશે.
સંઘ, અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,સરકાર વગેરેમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂકેલા આ નેતાએ આશ્ચર્ય થાય એવી વાત એ ઉમેરી કે એવું પણ બને કે વિરોધ પક્ષને ગેરમાર્ગે દોરવા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં છવાયેલા રહેવા આ બધું સંઘ અને સાહેબ(ન.મો.)નું સમજપૂર્વકનું સ્ક્રીપ્ટેડ આયોજન પણ હોય
અને રાષ્ટ્રીય પ્રમુખપદે કોઈ સાવ જુદો ચહેરો પણ આવી જાય!આ સિનિયર નેતાનું નિરીક્ષણ કેટલું સાચું પડે છે એ જોવા માટે થોડી રાહ તો જોવી પડશે હોં ભાઇ.
સરકારી કર્મચારીઓ માટે ફિક્સ પગારમાં રાખવાની મુદતમાં ઘટાડો થશે?
હમણાં એક વિડીયો ખૂબ વાયરલ થયો છે સદરહુ વિડિયોમાં એક ભાઈ બોલે છે નિયમોનુસારની તમામ પરીક્ષાઓ પાસ કરીને ગુજરાત સરકારમાં જોડાતાં કર્મચારીઓને હાલ પાંચ વર્ષ સુધી ફીક્સ પગારમાં રાખવામાં આવે છે.
તે મુદત ત્રણ વર્ષની કરવા માટે સરકારમાં વિચારણા ચાલે છે અને લગભગ આગામી દિવાળી સુધીમાં કંઇક સારાં સમાચાર બહાર આવશે એવી ભરપૂર શક્યતા છે. સદરહુ વિડિયો આ લખનારને મોકલીને એક બહેને પ્રશ્ન કર્યો કે શું આ સાચું છે?
એ પ્રશ્નનો જવાબ એવો મળે છે કે લોજીક વિષયમાં શીખવાય છે કે ‘જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોવાની શક્યતા રહે છે’ એ અનુસાર આ સમાચારમાં તથ્ય હોવાની શક્યતા નકારી શકાય નહીં.વળી, સરકારી ભાષામાં કહીએ તો આ નીતિવિષયક નિર્ણય કહેવાય અને નીતિવિષયક બાબત અંગે કોઈ પ્રક્રિયા હાથ ધરાય તો એનો અર્થ એવો થાય છે સરકાર આ અંગે હકારાત્મક અભિગમ ધરાવે છે અને ઉચ્ચ કક્ષાએથી આ અંગે સુચના આપવામાં આવી હોવાની ઉજળી શક્યતા રહે છે!
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એક અંદરનાં વાવડ એવાં છે કે વર્તમાન સરકારને સરકારી કર્મચારીઓને મળતા લાભ આપવા માટે ઉદાર રહેવાની સલાહ અપાઈ છે અને એના અનુસંધાને ફીક્સ પગારના કર્મચારીઓની મુદતમાં ઘટાડો કરવા અંગે વિચારણા શરૂ થઈ હોય તેવી ભરપૂર શક્યતા રહે છે.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનો સમય અવધિ વાળો અહિંસક સત્યાગ્રહ
દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી ૧૯૯૦થી આજદિન સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા ભા.જ.પ.ના ધારાસભ્ય પબુભા માણેકે દ્વારકા પાસે આવેલા શિવરાજપુર બીચ પર વોટર એક્ટીવીટી શરું થાય એ માટે શાંત સત્યાગ્રહના પ્રારંભે પ્રવચન કરતા જણાવ્યું કે અભી જો સરકાર બોલેગી વો કરને કે લિએ હમ તૈયાર હૈ.અગર બીસ દિન મેં કામ નહીં હોતા હૈ તો ઈધર એક્ટીવીટી ચાલું હો જાયેંગી.
પછી પોલીસ મોકલશો કે પોલીસ કાફલો મોકલશો તો હું ઓખા મંડળનાં ૪૨ ગામ અહીં ભેગા કરીને રાખીશ.પછી જેણે જે કરવું હોય તેમ કરજો. આટલું કહ્યા પછી પબુભા માણેકે વટ્ટભેર કહી દીધું કે ‘મુખ્યમંત્રીને આ રીપોર્ટગ કરી નાખજો કે ધારાસભ્ય આમ બોલતાતા.
પ્રજાના પ્રતિનિધિ કેવા બળુકા હોય તેનું ઉદાહરણ પબુભાએ પુરું પાડ્યું છે.પોતાના બળ, પોતાની લોકપ્રિયતા અને લોકોનાં કામ કરાવી આપવાની તેમની આગવી આવડતના કારણે ગમે તે પ્રતિક પર દ્વારકામાંથી ચૂંટાઈ આવવાની તાકાત પબુભામાં છે એટલે તેઓ આવી બળવાની ભાષા બોલી શકે છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ પદે રમેશ મેરઝાની નિમણૂંક
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૦/૨૪ના નોટીફીકેશનથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ પદે ગુજરાતની ૨૦૧૨ની બેચના નિવૃત આઈ.એ.એસ. અધિકારી રમેશ મેરઝાની નિમણૂંક કરવામાં આવી છે.
રમેશ મેરઝા એક સંવેદનશીલ, જીવંત અને બાહોશ અધિકારી ગણાય છે.સરકારી નોકરી ઉપરાંત મેરઝા સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ ઉંડો રસ ધરાવે છે.
પાટનગરમાં થતી સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ સામેલ થવું તેઓને ખૂબ ગમે છે.વાંચવુ અને મિત્રો સાથે જીવંત અને ઘનીષ્ટ સંપર્ક જાળવવો એ પણ મેરજાના રસનાં વિષયો છે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ તરીકે મેરજાના પુરોગામી આર.આર?. રાવલે નેત્રદીપક કામગીરી કરી હતી?.એ પરંપરા રમેશ મેરઝા જાળવી શકે તેમ છે.
ગાંધીનગરનું સેક્ટર નંબર -૨નુ અનોખું અને લોકપ્રિય અર્બન હેલ્થ સેન્ટર
સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાની વિનોબા ભાવેએ એક વખત એવું કહ્યું હતું કે જેટલું અ-સરકારી એટલું અસરકારી. સરકારી તંત્રોમાં પણ કોઇક જગ્યાએ એવું સરસ કામ થતું હોય છે કે લોકો અચંબો પામી જાય.આવી જ એક કથા ગાંધીનગરનાં સેક્ટર નંબર -૨મા આવેલા અર્બન હેલ્થ સેન્ટરની છે.
ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત આ અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ લોકપ્રિય થયું છે. આ સેન્ટરની વિશિષ્ટતા એ છે કે (૧)-સવારના ૯ઃ૦૦ના ટકોરે એ શરુ થઇ જાય છે
(૨)-લોહીના ઘણાખરા ટેસ્ટ અહીં કરી આપવામાં આવે છે
(૩)-સેન્ટરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે
(૪)-ડોકટર તપાસી લે એ પછી લખી આપવામાં આવતી તમામ દવાઓ લગભગ સેન્ટરમાં ઉપલબ્ધ હોય છે
(૫)-સેન્ટરમા ફરજ બજાવતા ડો.જયપાલસિંહ રાઓલનું નિદાન પણ સચોટ ગણાય છે
(૬)-કંઈ નાની મોટી ઇજા થઇ હોય તો આ સેન્ટરમાં ડ્રેસિંગ પણ સરસ રીતે કરી આપવામાં આવે છે
(૭)- કોરોના કાળમાં આ સેન્ટરની કામગીરી બેનમૂન રહી હતી.
(૮)-આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે વંચિત અને ગરીબ દર્દીઓ ઉપરાંત પોતાની માલિકીની એક કે બે કાર ધરાવતા લોકો પણ આ સેન્ટરમાં સારવાર લેવા આવવાનું પસંદ કરે છે, જે સૂચવે છે કે આ સેન્ટરની સારવાર કેટલી ઉત્તમ કક્ષાની હશે!ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે દર્દી સામાન્ય રોગની સારવાર માટે જાય તો પણ ઓછામાં ઓછાં રૂ.૫૦૦/- ખર્ચીને આવતો હોય છે.
એ કક્ષાની તમામ સારવાર સેક્ટર-૨ના અર્બન હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આવા જીવંત અર્બન હેલ્થ સેન્ટરની સંખ્યા વધતી રહે એ ઇચ્છનીય છે.