Western Times News

Gujarati News

દેશ ૨૦૨૬ સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશેઃ અમિત શાહ

અમિત શાહે દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આજે સોમવારે ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અંતિમ પ્રહાર કરવામાં આવશે. માર્ચ ૨૦૨૬ સુધીમાં અમે નક્સલવાદને ખતમ કરી દઈશું.

તેમણે કહ્યું કે, જો વિકાસને છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડવો હશે તો નક્સલવાદને ખતમ કરવો પડશે. એલડબલ્યુઈ સામે લડવા માટે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયદો લાગુ કરવો જરૂરી છે. ૩૦ વર્ષમાં પ્રથમ વખત ડાબેરી ઉગ્રવાદને કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા ૧૦૦થી ઓછી રહી છે. અમિત શાહે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં આ દેશ દાયકાઓ જૂની નકસલવાદની સમસ્યામાંથી મુક્ત થઈ જશે.

એલડબલ્યુઈની ૮૫ ટકા કેડર તાકાત છત્તીસગઢ સુધી સીમિત રહી છે. છત્તીસગઢમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૯૪ નકસલવાદીઓ માર્યા ગયા છે, ૮૦૧ નકસલવાદીઓએ શસ્ત્રોનો ત્યાગ કરી ચૂક્યા છે અને ૭૪૨ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. અમિત શાહે વધુમાં કહ્યું કે હું ફરીથી નક્સલવાદીઓને અપીલ કરું છું કે તેઓ તેમના હથિયાર છોડી દે અને મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાય. અમે રાજ્યોમાં રાજ્ય પોલીસ અને જોઈન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આજે નક્સલવાદી ઓપરેશન માટે૧૨ હેલિકોપ્ટર છે જેમા ૬ મ્જીહ્લ અને ૬ એરફોર્સના જવાનોને બચાવવા માટે તહેનાત છે. શાહે કહ્યું કે હું છત્તીસગઢના મુખ્યમંત્રી અને તેમની ટીમને અભિનંદન આપવા માંગુ છું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં લગભગ ૧૯૪ નક્સલવાદીઓ માર્યા ગયા છે. જે યુવાનો હજુ પણ નક્સલવાદ સાથે જોડાયેલા છે તેઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં આવવા વિનંતી છે. નક્સલવાદથી કોઈને ફાયદો થવાનો નથી.

સરકારી ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. સુરક્ષા સંબંધિત ખર્ચ યોજનાના બજેટમાં લગભગ ૩ ગણો વધારો થયો છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કાર્યો માટેની મુખ્ય યોજના છે. નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ હાજરી આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.