ઝાંસીની રાણીના બાવલા પાસે પાણીની ટાંકી બનાવવામાં આવશે
ગ્રીન બેલ્ટમાં થઈ રહેલા ડેવલપમેન્ટને ધ્યાનમાં લઈ વધુ કેપેસિટીની ટાંકી બનશે: દિલીપ બગડિયા
( પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઝાંસીની રાણીથી રેલવે લાઈન સુધીના ગ્રીનબેલ્ટ વિસ્તારમાં નવી રહેણાંક બિલ્ડિંગોના વર્ટિકલ ડેવલોપમેન્ટના પગલે ભવિષ્યમાં ઉભી થનાર જરૂરિયાત ને ધ્યાનમાં લઈ ઝાંસીની રાણી ના બાવલા પાસે નવી ટાંકી બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ટાંકી તૈયાર થયા બાદ ૫૦ હજાર નાગરિકોને તેનો લાભ મળશે. તેમજ સેટેલાઈટ ઝાંસીની રાણી અને આસપાસના વિસ્તારોમાં ઓછા પ્રેશરની પાણીની ફરિયાદ દૂર થવાથી લઇ નવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપભાઇ બગડિયાના જણાવ્યા મુજબ પશ્ચિમઝોનના નાવરંગપુરા વોર્ડમાં ઝાંષીની રાણીના બાવલા થી અમદાવાદ -વિરમગામ રેલ્વેલાઇન સુધીના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિસ્તાર હતો.
જેમાં ટી.પી. સ્કીમ અમલમાં મુકી વિકાસ પરવાની આપવામાં આવી છે. જેથી આ વિસ્તારમાં વર્ટીકલ ડેવલપમેન્ટ શરૂ થયુ છે. ભવિષ્યમાં થનાર વિકાસને ધ્યાનમાં લઇ વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવું જરૂરી છે.
જેથી ગ્રીન બેલ્ટના આશરે ૧.૫ ચોરસ કીલોમીટર વિસ્તારમાં પાણી પુરું પાડવા તદ્ઉપરાંત દક્ષિણ પશ્ચિમઝોનના જોધપુર વોર્ડમાં શીવરંજની થી ઝાંસીની રાણીના બાવલા થઈ પારસકુજ થી કેનયુગ ચાર રસ્તા થી બીજ નિગમ થી મુકેશપાર્ક થી શ્યામલ ચાર રસ્તાથી સૃષ્ટી બંગ્લોઝ સુધીના વિસ્તારમાં પાણીની ફરીયાદો આવે છે.
નવા તૈયાર થનાર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં જોધપુર વોર્ડના ઓછા પ્રેશરની ફરીયાદ વાળા વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ છે. અને આ વિસ્તારની પાણીની જરૂરીયાતને ધ્યાને રાખી રૂ. ૩૦.૧૭ કરોડના ખર્ચે ૧૧૧ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવા આયોજન કર્યું છે
તેમજ તેને આનુષંગિક નેટવર્ક નાખવામાં આવશે. હાલ, ગ્રીનબેલ્ટ વિસ્તારમાં ૨૦ હજાર લોકો વસવાટ કરે છે. પરંતુ જે રીતે અહીં ડેવલમેન્ટ થઈ રહ્યું છે તેને ધ્યાનમાં લઈ વધુ કેપેસિટીની ટાંકી બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.