વિવેકાનંદનગરમાં પોલીસે રેતી ચોરીનો પર્દાફાશ કર્યો: બે જેસીબી-ત્રણ ડમ્પર જપ્ત
અમદાવાદ, શહેરના છેવાડે આવલા વિવેકાનંદનગરમાં મોડી રાત્રે રેતી ચોરીનો પર્દાફાશ પોલીસે કર્યો છે. કેટલાક ખનન માફિયા મોડી રાતે વિવેકાનંદનગરમાં ડમ્પર અને જેસીબી લઈને આવ્યા હતા અને બિનધાસ્ત રેતી ચોરી કરી રહ્યા હતા.
રેતી ચોરીની જાણ મોડી રાતે પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બે જેસીબી અને ત્રણ ડમ્પર જપ્ત કર્યું છે. જ્યારે આજે ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ અને જિલ્લામાં ખાણ ખનીજ માફિયાઓનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે.
સામાન્ય રીતે નદીમાંથી ખનન માફિયા રેતીની ચોરી કરતા હોય છે પરંતુ વરસાદ પડયો હોવાના કારણે નદીમાં પાણી હોવાથી રેતી ચોરવી મુશ્કેલ બની ગઈ છે. ખનન માફિયાઓ શહેરના છેવાડે આવેલા અનેક વિસ્તારમાં કે જ્યાં રેતીના ઢગલા હોય ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવી દીધો હતો. નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ ઠેર ઠેર બંદોબસ્તમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તસ્કરો અને માફિયાઓ એક્ટિવ બન્યા છે.
ગાંધીનગરના ખનન માફિયાઓની સંડોવણીની આશંકા
મોડી રાત પોલીસે જે કાર્યવાહી કરી તેમાં જપ્ત થયેલા વાહનો ગાંધીનગર આરટીઓ પાસિંગના હોવાનું સામ આવ્યું છે. પોલીસને શંકા છે કે ખનન માફિયાઓ ગાંધીનગરના રહેવાસી છે. જો આજે ગુનો દાખલ થાય તો ઘણા ખનન માફિયાઓની સંડોવણી સામે આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. રેતી ચોરીની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મોડી રાત્રે ગુનેગારો પોતાના ઈરાદા પાર પાડવા માટે મેદાનમાં ઉતરતા હોય છે. ગઈકાલે ખનન માફિયા પોતાના ઈરાદા પાર પાડવા માટે મેદાનમાં આવ્યા હતા. પરંતુ પોલીસની સતર્કતાના કારણે તેમનો પર્દાફાશ થયો છે. પોલીસ ગઈકાલે બંદોબસ્તમાં હતી ત્યારે વિવેકાનંદનગર વિસ્તારમાં જેસીબી અને ડમ્પર લઈને ખનન માફિયા રેતી ચોરવા માટે આવ્યા હતા. વિવેકાનંદનગરની અવાવરું જગ્યામાં જ્યારે રેતી ચોરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસને જાણ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને રેતી ચોરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને જોતાંની સાથે જ ખનન માફિયાના સાગરિતોએ નાસભાગ મચાવી દીધી હતી.
જો કે, પોલીસ તમામને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણ ડમ્પર અને બે જેસીબી જપ્ત કર્યા છે અને તમામની અટકાયત કરી છે. પોલીસના કહેવા અનુસાર આ ખનન ચોરી નથી, પરંતુ અહાજે આ મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવશે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને જોતાંની સાથે જ ઘણ ડમ્પરચાલકો ચોરેલી રેતી સાથે ભાગી જવામાં સફળ થયા છે. રેતી ચોરી કરનાર ખનન માફિયા કોણ છે અને તેણે કેટલા ડમ્પર ભરીને રેતીની ચોરી કરી છે તેનો ઘટસ્ફોટ ગુનો દાખલ થયા પછી થશે. આજે તો ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવશે.